Vantara to Offer Chain-Free Haven for 20 Elephants : હાથી અને અન્ય વન્ય પ્રાણીઓને અનંત અંબાણી દ્વારા સ્થાપિત રેસ્ક્યૂ સેન્ટર વનતારામાં વધુ 20 હાથીઓનું સ્વાગત કરવામાં આવશે. અરુણાચલ પ્રદેશથી રેસ્ક્યૂ કરીને હાથીઓને વનતારા લાવવામાં આવી રહ્યા છે. ત્રિપુરા હાઇકોર્ટ દ્વારા ગઠિત કમિટીની મંજૂરી બાદ સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે.
ગંભીર યાતનાથી પસાર થયા હાથી
રેસ્ક્યૂ બાદ હવે આ તમામ હાથીઓને વનતારામાં તેમનું સ્થાયી ઘર મળી જશે. વનતારામાં હાથી સાંકળમાં બંધાશે નહીં અને તેમને શ્રમ કરવા માટે મજબૂર પણ કરવામાં નહીં આવે. જે હાથીને બચાવવામાં આવ્યા છે તેમાં 10 વર્ષની લક્ષ્મી નામની હાથી પણ સામેલ છે. લક્ષ્મીને વશમાં કરવા માટે તેના પર યાતનાઓ કરવામાં આવી જેના કારણે તેના પગમાં ઈજા પહોંચી અને તે પોતાનું વજન પાછળના પગ પર સાંખી શકતી નથી. આટલું જ નહીં લક્ષ્મીના જમણા કાનમાં કાણું પણ પાડવામાં આવ્યું છે.
બે વર્ષની માયાને તેની માતા રોંગમતિ સાથે રેસ્ક્યૂ કરવામાં આવી છે. લાકડા કાપવાના કામના કારણે રોંગમતિ પણ ઈજાગ્રસ્ત છે. રામૂ નામના હાથીના પગ ચારથી છ મહિના સુધી બાંધી રાખવામાં આવ્યા જેથી શારીરિક અને માનસિક પરેશાની થઈ. બાબૂલાલ નામના હાથીની પૂંછડીમાં ઈજા પહોંચી છે. વર્ષો સુધી કેદમાં રહેવાના કારણે આ હથિઓની સ્વાભાવિક પ્રવૃત્તિ સમાપ્ત થઈ ગઈ છે.
વનતારામાં હાથીઓની આજીવન સારસંભાળ લેવામાં આવશે. વનતારાના કારણે મહાવત અને તેમના પરિવારોને પણ નવા અવસર મળી રહે છે.
200 નિષ્ણાતોથી ટીમ અને વિશેષ ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા
રેસ્ક્યૂ કરાયેલા હાથીઓને વિશેષ ઍમ્બ્યુલન્સમાં ગુજરાત લાવવામાં આવશે. હાથીના બચ્ચા તેની માતા સાથે જ પ્રવાસ કરીને ગુજરાત આવી શકે તેવી વ્યવસ્થા પણ ઍમ્બ્યુલન્સમાં કરવામાં આવશે. હાથીઓને અરુણાચલ પ્રદેશથી વનતારા લાવવા માટે 200થી વધુ નિષ્ણાતોની ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ટીમમાં પશુ ચિકિત્સક, પેરાવેટ, ઍમ્બ્યુયલન્સ ચાલક સહિતના એક્સપર્ટ સામેલ છે. હાથીઓને ગુજરાત લાવવામાં પરિવહનના તમામ દિશા નિર્દેશોનું પાલન પણ કરવામાં આવશે.
હાથીના માલિકને પણ હાશકારો
નામસાઈના વન વિભાગના અધિકારીએ તબાંગ જામોહે જણાવ્યું છે, કે ‘અરુણાચલ પ્રદેશમાં લગભગ 200 હાથીઓના સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે DNA પ્રોફાઈલિંગ કરવામાં આવી રહી છે. વનતારામાં 20 હાથીઓના હસ્તાંતરણથી તેમને ઉજ્જવળ ભવિષ્ય મળશે.
ઈટાનગરના પશુ ચિકિત્સા અધિકારી સોરંગ તડપે કહ્યું છે, કે ‘કેદ કરાયેલા હાથી મોટે ભાગે કોઈને કોઈ બીમારીથી પીડિત હોય છે. કઠોર શ્રમ અને લાંબા સમય સુધી સાંકળ બંધાયેલા રહેવાના કારણે હાથીઓને ઈજા પહોંચે છે અને માનસિક આઘાત પણ લાગે છે. ચોવીસ કલાક સાર સંભાળ મળે તેવી હોસ્પિટલની જરૂર છે જેનો અમારા રાજ્યમાં અભાવ છે. વનતારા જેવી સુવિધાઓના કારણે રેસ્ક્યૂ કરાયેયલ હાથીઓને સારવાર અને આજીવન સારસંભાળ મળી રહેશે.’
હાથીઓના માલિકોમાંથી એક ચાઉ થમસાલા મીને જણાવ્યું હતું, કે ‘લાકડા કાપવા પર પ્રતિબંધ બાદ અમે પણ અમારા હાથીને શ્રમ કરાવવા માંગતા નથી. અમને ખુશી છે કે હવે હાથી વનતારામાં સારું જીવન જીવશે. આ પહેલના કારણે અમારા પરિવારોને નોકરી અને આવક મળે છે જેના કારણે અમારા બાળકોનું ભવિષ્ય ઉજ્વળ થઈ રહ્યું છે.’