તાલુકા મથકે આરટીએસ કેસોના નિકાલ કરાશે
તાલુકા મથકે કલેક્ટરે હાજર રહી 24 કેસોના અરજદારોને સાંભળી કાર્યવાહી કરી
આણંદ: ખંભાત મામલતદાર કચેરી ખાતે આણંદ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સૌપ્રથમ વખત તાલુકાકક્ષાના જમીન તકરારી કેસો (આરટીએસ કેસો) ની સુનાવણી હાથ ધરાઈ હતી. કલેક્ટરે ૨૪ કેસોના અરજદારોને સાંભળી કેસના નિકાલનો પ્રયાસ કર્યો હતો.
આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના અરજદારોને જમીન તકરારી સહિતની ફરિયાદોના નિકાલ માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મુદત લઈને જવું પડતું હતું. જેમાં અરજદારોને આર્થિક ભારણ ભોગવવું પડતું હતું. તેમજ સમય પણ વધુ આપવો પડતો હતો. પરિણામે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા તાલુકા મથકે હાજર રહીને જમીન તકરારીના કેસો ચલાવવામાં આવશે.
જે અંતર્ગત શુક્રવારે જિલ્લા કલેક્ટર ખંભાત મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. તેમની અધ્યક્ષતામાં જમીન તકરારી કેસોની સુનાવણી હાથ ધરાઈ હતી.
કલેક્ટરે સૌપ્રથમ વાર તાલુકા મથકે ૨૪ કેસોના અરજદારોને સાંભળી કેસના નિકાલનો પ્રયાસ હાથ ધર્યો હતો.