અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં પાટીદાર યુવતી પાયલ ગોટી સામે કાર્યવાહી થઈ હતી. ત્યારે હવે પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા છે. (7 જાન્યુઆરી, 2025) રાત્રે SITની ટીમ પાયલ ગોટીના ઘરે પહોંચી હતી. ત્યાંથી તેને અમરેલી લઈ જવામાં આવી રહી હતી. આ દરમિયાન પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પોલીસને રસ્તામાં રોકી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
પાયલ ગોટીના આક્ષેપો બાદ SITની કરાઈ હતી રચના
અમરેલીના લેટરકાંડ મામલે પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે પાયલ ગોટી જેલથી બહાર આવી ત્યારે તેણે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં પાયલે કહ્યું હતું કે, તેને પોલીસ દ્વારા પટ્ટા મારવામાં આવ્યા હતા. ત્યારે પાયલ ગોટીના પોલીસ સામેના આક્ષેપોને લઈને SIT(સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરવામાં આવી હતી. જેમાં Dysp એ.જી.ગોહિલ, મહિલા P.I. આઇ.જે. ગીડા, મહિલા PSI એચ.જે.બરવાડીયાનો સમાવેશ કરવામા આવ્યો હતો. ત્યારે આ તપાસ સમિતિ ટીમ પાયલ ગોટીના નિવાસ્થાને પહોંચી હતી. પાયલ ગોટીના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ત્યારે હવે જાણવા મળી રહ્યુ છે કે, પોલીસ દ્વારા પટ્ટા મારવાના આક્ષેપ માટે મેડિકલ તપાસ કરવા માટે પાટલ ગોટીને લઈ જવામા આવી રહી હતી.
આ પણ વાંચો: ‘જો કૌશિક વેકરિયા દૂધે ધોયેલા હોય તો જાહેરમાં ચર્ચા કરે’, પરેશ ધાનાણીએ 24 કલાકનું આપ્યું અલ્ટિમેટમ
અત્યારે નહીં સવારે લઈ જજો: પરેશ ધાનાણી
જે વીડિયોમાં પરેશ ધાનાણીને SITની મહિલા પોલીસ અધિકારી કહી રહી છે કે, ‘તે(પાયલ) એકલી નથી, તેના ભાઈ-બહેન પણ છે. અમે તેને ડરાવી-ધમકાવીને નથી લાવ્યા. તેની મંજૂરીથી લાવ્યા છીએ. અમે માત્ર સિવિલ લઈ જતા હતા. તમે કહ્યું ગાડી ઉભી રાખો તો અમે રાખી દીધી. પ્રેમથી લાવ્યા છીએ.’ ત્યારે ધાનાણીએ SITના અધિકારીઓને કહ્યું, ‘અત્યારે નહીં સવારે લઈ જજો.’ તો પાયલ ગોટીએ કહ્યું કે, ‘અત્યારે અમને અમારા ઘરે મૂકી જાઓ.’
ફરી સંધ્યાકાળ બાદ પાયલ ગોટીને લઈ જવાતા વિવાદ
પાયલ ગોટીને SIT દ્વારા મેડિકલમાં ન જવા દેવા પરેશ ધાનાણી મેદાનમાં આવ્યા છે. SITના અધિકારીઓનું હાથમાં મોબાઈલ લઈને પરેશ ધાનાણીએ શૂટિંગ કર્યું હતું. જણાવી દઈએ કે, અગાઉ પોલીસે સંધ્યાકાળ પછી આ દીકરીની અટકાયત કરી હતી. ત્યારબાદ હવે SITની ટીમ દ્વારા પણ સંધ્યાકાળ પછી આ દીકરીને લઈ જવાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટના બાદથી નવો વિવાદ શરૂ થયો છે.
આ પણ વાંચો: અમરેલી લેટરકાંડ: જામીન મળ્યા બાદ પાયલ ગોટી થઈ જેલ મુક્ત, બહાર આવી કહ્યું, ‘સત્યમેવ જયતે’
શું હતી સમગ્ર ઘટના?
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત 4ની ધરપકડ કરી હતી. જો કે, અધરપકડ કરાયેલી પાટીદાર યુવતીને 3 જાન્યુઆરી 2025ના રોજ જામીન મળ્યા હતા અને જેલ મુક્ત થઈ હતી.