Madhya Gujarat Vij Company : છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના હાફેશ્વર અને તુરખેડાના ડુંગર વિસ્તારમાં રહેતા પરિવારોને છેલ્લા 10 વર્ષથી મધ્ય ગુજરાત વીજ કંપનીના વીજ બિલ મળ્યા નથી. છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના છેવાડાના ગામ હાફેશ્વર અને તૂરખેડા છે. આ બંને ગામ નર્મદા કાંઠા પર છે. આ ગામમાં રોજગારી માટે કોઇ ઉદ્યોગ નથી. ફક્ત ચોમાસાની ખેતી પર લોકોનો જીવન નિર્વાહ ચાલે છે. ખેતીમાં સિંચાઇની સુવિધા ના હોવાથી એકજ પાક વર્ષ દરમિયાન આ પરિવારો લઇ શકે છે.
ડુંગરોમાં રહેતા પરિવારોને સરકારે વીજળીની સુવિધા આપી છે, પરંતુ વીજમીટરનું રીડિંગ લેવા માટે આવતા કર્મચારીઓ ફક્ત રોડ ઉપર રહેતા પરિવારોના બિલ આપીને જતા રહે છે. તુરખેડા ગામના ત્રણ અને હાફેશ્વરના ત્રણ ફળિયામાં 300થી વધુ પરિવારો રહે છે. હાફેશ્વરના સરપંચ જેન્તીભાઇના જણાવ્યા મુજબ જે પરિવારોના બિલ નથી આવતા તે માટે ક્વાંટ ખાતે મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છે, પરંતુ હજી બિલ અપાયા નથી. હાલ આ પરિવારો ચિંતિત છે, કારણ કે 10 વર્ષનું વીજ બિલ એક સાથે આવશે તો મોટી રકમ ક્યાંથી ભરશે તે સવાલ છે.
આ પણ વાંચો: ભરૂચમાં બળાત્કારના આરોપીને જામીન, બહાર આવીને 71 વર્ષની વૃદ્ધા સાથે બીજી વાર દુષ્કર્મ
અહીં મીટર રીડરો ગામ સુધી આવે છે, પરંતુ ડુંગરમાં રહેતા અલગ અલગ ફળિયામાં પગપાળા જવાનું હોય છે, એટલે તેઓ દરેકના ઘરે જતા નથી. જોકે વીજ બિલો નિયમિત આપવાની જવાબદારી વીજકંપનીની છે, પણ અપાતા નથી તે હકીકત છે. તુરખેડા અને હાફેશ્વર ગામમાં અલગ અલગ વિસ્તારોમાં સરકારે વીજળી પહોંચાડી દીધી છે અને લોકોએ મીટર લઇ લીધા છે અને વીજળી વાપરી પણ રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાં કેટલી વીજળી વપરાઇ તેની કોઇ ગણતરી લોકો માંડી શકતા નથી.