આવતીકાલે (25 ડિસેમ્બર) નાતાલ છે. અનેક લોકો ક્રિસમસની ઉજવણીની તૈયારી કરી રહ્યા છે. ત્યારે બોલિવૂડ સેલિબ્રિટીઝ અને સ્ટારકીડ્સ જામનગરના મહેમાન બન્યા છે. જામનગર નજીક રિલાયન્સ ગ્રીન્સ ટાઉનશીપમાં ફરી બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો જોવા મળી રહ્યો છે. જેના વીડિયો અને ફોટો પણ સામે આવ્યા છે.
આજે (24 ડિસેમ્બર) જામનગર એરપોર્ટ પર સારા અલીખાન, ઈબ્રાહિમ અલીખાન, બોની કપૂર, ખુશી કપૂર, ઓરી અને અરિજીત સિંહ સહિતના સેલિબ્રિટીઝનું આગમન થયું હતું. આ તમામ સેલિબ્રિટીઝ જામનગર એરપોર્ટથી કાર મારફતે રિલાયન્સ કંપની પહોંચ્યા હતા. જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરવાના છે. નાતાલના તહેવારોની ઉજવણી કરવા અને મોજ માણવા આવ્યા હોવાનું જાણવા મળે છે. જો કે, કંપની તરફથી સત્તાવાર રીતે આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
મળતી માહિતી મુજબ, રિલાયન્સ રિફાઇનરીને 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ઉપરાંત 28 ડિસેમ્બરના રોજ ધીરુભાઈ અંબાણીનો જન્મદિવસ પણ છે. ત્યારે આ નિમિત્તે કંપનીમાં કેટલાક કાર્યક્રમો યોજાવાના છે. તેમાં પણ આજે આવી પહોંચેલા સેલિબ્રિટીઝ જોડાઈ શકે છે. ઉપરાંત આગામી દિવસોમાં વધુ કલાકારો પણ આવી શકે છે.