રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનું સ્તર વધારવા અનેકવિધ પ્રયાસો કરી દર વર્ષે શાળા પ્રવેશ ઉત્સવ, ગુણોત્સવ જેવા કાર્યક્રમો તો કરવામાં આવે છે પરંતુ તે નામ પૂરતા કરાતા હોય તેવું લાગી રહ્યું છે. રાધનપુરના પ્રેમનગરની પ્રાથમિક શાળાના ઓરડા જર્જરીત હોવાના કારણે છેલ્લા 8 વર્ષથી જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા છે. જેથી વિદ્યાર્થીઓ મજબૂરીના માર્યા બહાર ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓ ઠંડીમાં બહાર અભ્યાસ કરવા મજબૂર
રાઘનપુર તાલુકાના પ્રેમનગર ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં ધો.1 થી 9 કાર્યરત છે જેમાં 300 જેટલા અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ વર્ષ 2016 આસપાસ શાળાના પાચમાંથી ત્રણ ઓરડા જર્જરીત થતા એના ત્રણ જેટલાં ઓરડા પાડી દેવામાં આવ્યા હતા. જે વાતને આજે 8 વર્ષ જેટલો સમય થયો છતાં આ શાળાના વર્ગ ખંડો ન બનતા આ શાળાના વિદ્યાર્થીઓને શાળાના કમ્પાઉન્ડમાં ખુલ્લા આસમાન નીચે બેસાડી અભ્યાસ કરાવવાની ફરજ પડી રહી છે. ત્યારે નવા ઓરડા બનાવવા શાળા પ્રશાસન દ્વારા અનેકવાર શાળા માટે મંજૂરી માંગવામાં આવી છે પરંતુ આજ દિન સુધી બન્યા નથી. જેથી વિદ્યાર્થીઓ મજબૂરીમાં ભર શિયાળામાં ખુલ્લામાં બેસી અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. બાળકોને ઠંડીને લઈ અનેક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહી છે. ત્યારે છેલ્લા આઠ વર્ષથી આ પ્રાથમિક શાળાના બાળકો ત્રણે ઋતુ એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસામાં આજ પ્રમાણે ખુલ્લા મેદાનમાં જ અભ્યાસ મેળવી રહ્યા છે.
શાળામાં માત્ર બે ક્લાસરૂમ જ હતા
શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકોને પણ ક્લાસરૂમની ઘટ હોવાથી માત્ર શાળામાં બે પાળીમાં અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. જેમાં એક સાથે 9 વર્ગના વિદ્યાર્થીઓને ભણાવવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે. અને શિયાળા, ઉનાળા અને ચોમાસામાં વિદ્યાર્થીઓને ક્યાં બેસાડવા તેની અવઢવ ઉભી થાય છે, છતાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે નવાઈની વાત તો એ છે કે શાળાના કમ્પાઉન્ડમાં આવેલ મધ્યાહન ભોજનની પણ યોગ્ય સુવિધા ન હોવાથીઓ ખુલ્લામાં જ બેસાડી ભોજન આપવાની ફરજ પડી છે તો બીજી બાજુ છેલ્લા 8 વર્ષથી આ સ્થિતિમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળાની ફરતે સ્વ-રક્ષણ દિવાલનો અભાવ છે. જેથી જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે એની પાછળના ભાગે રખડતા ઢોરનો પણ અડિગો જોવા મળે છે તો કોઈ ઢોર ક્યારેક તાર તોડી અંદર આવી જાય તો બાળકોનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. જેથી બાળકોને ભયના માહોલમાં ભણવાની તેમજ શિક્ષકોને ભણાવવાની ફરજ પડી રહી છે. જેથી શિક્ષકો પણ મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે.
શાળામાં ઓરડાઓની ઘટ ક્યારે પુરાશે?
છેલ્લા 8 વર્ષથી પ્રેમનગર પ્રાથમિક શાળામાં ઓરડાની ઘટ હોવાથી આજનું ભાવિ ખુલ્લામાં અભ્યાસ કરવા મજબુર બન્યું છે. ત્યારે સરકાર દ્વારા આધુનિક અને ડિજિટલ સ્માર્ટ શાળાઓની મોટી મોટી વાતો તો કરે છે પરંતુ આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં ઓરડાઓની ઘટને લીધે શિક્ષણ પર માઠી અસર પડી રહી છે. ત્યારે આ શાળાની સ્થિતિ છેલ્લા આઠ વર્ષથી આજ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ ગરમી, ઠંડી, વરસાદનો સામનો કરીને પણ અભ્યાસ કરી રહ્યા છે. તો સરકાર દ્વારા વહેલી તકે નવીન શાળા માટે ઓરડા બનાવી આપે તેવી માગ ઉઠી છે, તો શાળા પ્રસાસન દ્વારા પણ અનેકવારની રજુઆત બાદ પણ માત્ર ખાલી ઠાલાં વચનો તંત્ર દ્વારા અપાય છે કે ઓરડા મંજૂર થઈ ગયા છે, ટૂંક સમયમાં બનશે, ત્યારે પ્રેમનગર પ્રાથમિક શાળાની ઓરડાની ઘટ ક્યારે પુરાશે તે તો જોવાનું રહ્યું.
બાંધકામ કરવા ટેન્ડર મંજૂર
રાઘનપુર તાલુકાના પ્રેમનગર ગામે આવેલ આ શાળાને સુવિધા સંપન્ન બનાવવા પાટણ શિક્ષણ વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી છે. જેને 6 વર્ષ જેટલો સમય વીતી ગયો છે અને શિક્ષણ વિભાગમાંથી માત્ર ઠાલાં વચનો અપાય છે કે રૂમો મંજૂર થયા છે અને ટેન્ડર પણ અપાઈ ગયા છે પરંતુ કયા કારણોસર રૂમોનું બધાકામ શરૂ નથી કરાતું એ સૌથી મોટો સવાલ છે ત્યારે મંજૂર થયેલ ઓરડાનું કામ સત્વરે શરૂ થાય તેવી માગ ગ્રામજનો દ્વારા ઉઠી છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનો વ્યાપ વધે તેવા પ્રયાસોના દાવાઓ પણ કરવામાં આવે છે પરંતુ આજે પણ એવી કેટલીયે શાળાઓ છે જ્યાં સુવિધાઓના અભાવે બાળકો શિક્ષણથી વંચિત રહે છે ત્યારે પ્રેમનગર પ્રાથમિક શાળામાં ક્યારે નવા ઓરડા બનશે તે એક સવાલ છે????