ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રવિવારે પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત બાળકોને રસીના ટીપા પીવડાવવાનુ આયોજન કરાયુ હતુ. જિલ્લાભરના 10 તાલુકાઓમાં કુલ 3,30,230 બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાનું આયોજન કરાયુ હતુ.
જેમાં રવિવારે બપોરના 4 વાગ્યા સુધીમાં કુલ 2,89,196 બાળકોને રસીકરણ ઝુંબેશમાં આવરી લેવાયા હતા. ભારત સરકાર દ્વારા વર્ષ 1995 થી બાળલકવા નાબુદી અભિયાન હાથ ધરાયું છે. જેના પગલે મોટાભાગના રાજ્યોમાં બાળલકવા નાબુદ થયો છે. ખેડા જિલ્લામાં રવિવારે 1,193 બુથ પરથી પોલિયો રસીકરણ રવિવારે સવારથી શરૂ કરાયુ હતુ. આ કામગીરીમાં 4,772 કર્મચારીઓએ બુથ પરથી પોલીયો રસીકરણની કામગીરી કરી હતી. જેમાં 257 સુપરવાઈઝરની નિમણુક કરાઈ હતી. પોલીયોની કાગીરીમાં 25 મોબાઈલ અને 26 ટ્રાઝિટ ટીમે પણ તેમની ફરજ બજાવી હતી.