- બજારમાં કેડસમા, રેલવે ગરનાળામાં પાણી ભરાતા મુશ્કેલી
- ધમાકેદાર વરસાદ છતાં સરકારી ચોપડે માત્ર 16mmની નોંધ
- શિનોર રેલવે ગળનાળું પાણીથી છલકાઇ ગયું હતું
શિનોરમાં આજે વહેલી સવારે ભારે ગાજવીજ સાથે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતાં. જેને લઇને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
શિનોરમાં છેલ્લા 7 દિવસથી વાદળિયા વાતાવરણમાં ઝરમર ઝરમર વરસાદ અને પછી તાપ નીકળતા બફરાથી લોકો કંટાળ્યાં હતા. ત્યારે આજે સવારે 7 વાગ્યાથી મેઘરાજા મનમુકીને મહેરબાન થયા હતા.ગાજવીજ સાથે સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારના વરસાદમાં લોકોને નહાવાની મજા માણી હતી. શિનોર નગરના મુખ્ય રસ્તા અને બજાર વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી વહેતાં થયાં હતાં. જ્યારે શિનોર રેલવે ગરનાળામાં તંત્રના પાપે કેડસમાં પાણી ભરાતાં વાહનવ્યવહાર સદંતર બંધ થયો હતો. સવાર 7 થી 9 વાગ્યાં સુધી ધમાકેદાર વરસાદ વરસ્યો હતો. પણ સરકારી ચોપડે માત્ર 16 mm અને સિઝનાનો કુલ 324 mm વરસાદ નોંધાયો છે. શિનોર તાલુકા મથક પર આજે 7 દિવસ બાદ વરસાદ મન મૂકીને વરસાદ વરસ્યો હતો.
ત્રણ ઝોન પાડી વરસાદની સરેરાશ કરી નોધાવા માગ
શિનોર તાલુકો 41 ગામ ધરાવતો આ તાલુકો મુખ્યત્વે શિનોર, સેગવા અને સાધલી મળી ત્રણ ઝોનમાં વહેંચાયેલો છે.. અહીં વરસાદનો આંક, શિનોર તાલુકા સેવાસદનના ટેરેસ પર,મુકેલા જુના રેઇન માપ મુજબ નોંધી જાહેર કરાય છે..આ આંક જ સરકારી ચોપડે માન્ય ગણાય છે.જેને લઇ ગેરસમજ થાય છે. ત્યારે તંત્ર દ્વારા, સત્વરે ,શિનોરને ત્રણ ઝોનમાં વહેંચી,ત્રણે સ્થળે ડીજીટલ રેઇનમાપની વ્યવસ્થા કરાવાય એ જરૂરી છે.