- ઝટકા મશીનના વીજકરંટથી મોત થયાનો સાસરિયા પક્ષનો દાવો
- મોતનું કારણ જાણવા ફોરેન્સિક PM ડૉગ સ્કવોર્ડ FSLDy.SPએ તપાસ આદરી
- મૃતકને તેમના પતિ અને સાસરીયા પક્ષ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો
તળાજાના ગોરખી ગામે આજે પરિણીતાના થયેલાં અકાળે મોતને લઈ વિવાદ ઘેરાયો છે. મૃતક પરિન્નીતાના સાસરિયાઓએ ઝટકા મશીનના વીજકરંટથી પરિણીતાનું મોત થયાના રજૂ કરાયેલાં દાવા સામે મૃતકના પિતાએ તેમની દીકરીની હત્યાની આશંકા સાથે આક્ષેપ કરતાં પોલીસે મોતનું કારણ જાણવા માટે મૃતદેહને પેનલ પીએમ અર્થે ખસેડ્યો હતો.
બનાવની વિગત એવી છે કે,ભાવનગર જિલ્લાના બગદાણા ગામની દીકરી અને તળાજાના ગોરખી ગામે સાસરીયુ ધરાવતી પરણીતા પાયલબેન નીતિનભાઈ ડોડીયા (ઉવ.૨૦)ને આજે તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરવા માટે લાવવામાં આવી હતી.મૃતક પરિણીતાના સાસરીયા પક્ષે વાડીમાં પાણી વાળતી વેળાએ ઝટકા મશીનમાંથી નિકળેલાં વીજકરંટના કારણે મૃત્યુ થયાની પોલીસને કેફિયત આપી હતી. તો,બીજી તરફ બગદાણા રહેતા મૃતક પરિણીતાના પિતા અને તેના પિયર પક્ષના પરિવારે મૃતદેહને જોઈ તેમની દીકરીની હત્યાનો આક્ષેપ અને શંકાપોલીસ સમક્ષ વ્યક્ત કરી હતી.
એકાદ વર્ષના લગ્નજીવનના કરૂણ અંજામ અંગે ડીવાયએસપી મિહિર બારૈયા સમક્ષ પાયલબેનના પિતા પોપટભાઈ ભીમાભાઇ મોરીએ વલોપાત અને આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, મૃતકને તેમના પતિ અને સાસરીયા પક્ષ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો અને હાલ મારી દીકરીને મારી નાખવામાં આવી છે તેમણે આક્ષેપ કરતાં એમ પણ જણાવ્યું કે, મૃતકના શરીર પર જે પ્રકારના ચિહ્નો દેખાઈ રહ્યા છે તે જોતા પરિણીતાનું મોત વીજકરંટના કારણે થયું હોય તેવું દેખાતું નથી. એટલું જ નહીં મૃતક પરિણીતાના પિતાએ પોલીસ સમક્ષ દાવો કર્યો હતો કે શરીર ઉપર જે ધા દેખાઈ રહ્યા છે તે જોતા તેમની દીકરીને મુંઢમાર માર્યો હોય તેવા છે.જો કે, સામાપક્ષે સાસરીયા પક્ષે વાડીમાં પાણી વાળતા ઝટકા મશીનનો વીજકરંટ લાગવના કારણે મોત થયાની દલીલો યથાવત રાખી હતી. ઉપરાંત, મૃતકના પિતાની દીકરીની હત્યાના તર્કબધ્ધ આક્ષેપમાં તથ્ય જણાતાં મૃતકને પેનલ પીએમ અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડી હતી. ડીવાયએસપી મિહિર બારૈયાએ જન્નાવ્યું હતું કે તપાસમાં કોઈ કચાસ ન રહી જાય તે માટે ડૉગ સ્કવોડ,એએસએલ અને સ્થળ પર જઈને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. પેનલ પીએમ અને એએસએલ તપાસમાં જે ખુલશે તે પ્રમાણે તળાજા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ડીવાયએસપીએ અંતમાં જણાવ્યું હતું.
દીકરીએ પતિ માર મારતો હોવાની કરી હતી ફરિયાદ
મૃતક પાયલબેનના પિતા પોપટભાઈ ભીમાભાઇ મોરીએ મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે,પાયલબેન શ્રીમંત પ્રસંગે પિયર બગદાણામાં આવી હતી.આ સમયે દીકરીએ પતિ દ્વારા માર મારવામાં આવતો હોવાનું જણાવ્યું હતું. આથી પરિણીતાને ગોરખી ગામે સાસરીયે ન મોકલવા નિર્ણય લીધો હતો. પરંતુ ગૌરખી ગામે દીકરીના મામા રહેતા હોય અને તે લોકોએ મધ્યસ્થી કરતા આખરે દીકરીને સાસરે મોકલી આપી હતી.