- ચાર દિવસ પહેલાં બે યુવતીઓ લાકડા વીણવા ગઈ હતી
- યુવતીઓ ગુમ થયાના ચાર દિવસ બાદ બળેવના દિવસે જ કૂવામાંથી લાશ મળી
- પોલીસે મોબાઇલ લાસ્ટ લોકેશનના આધારે લાશને શોધી નીકળી હતી
વીરપુરની સીમ વિસ્તારમાં ટેકરીઓ પર ડેરા નાખી રહેતા ભરવાડ પરિવારની બે દીકરીઓની લાશ મહેમુદપુરા પાસે ખેતરમાં આવેલા કૂવામાંથી મળી આવતા ચકચાર મચી ગઇ હતી.
વીરપુર બારોડા હનુમાન મંદિર પાસે આવેલી ટેકરીઓમાં છેલ્લા કેટલાય વર્ષોથી એક પરિવાર રહે છે. જેમાં કાકા બાપાની બે દીકરીઓ (બંન્નેની ઉ.વ.19) જે ચાર દિવસ પહેલા બપોરના સમયે ખેતર, ડુંગરમાં લાકડા વીણવા જઇએ તેમ કહીને ડેરા પરથી નિકળી ગઇ હતી. પરંતુ સાંજ સુધી પરત ન ફરતા પરિવાર ચિંતિત બનીને દીકરીઓની શોધખોળ આદરી હતી. આજુબાજુના બીજા અનેક ગામોમાં રહેતા સગા વ્હાલાઓમાં પણ તપાસ કરતા કોઇ ભાળ ન મળતા વીરપુર પોલીસમાં જાણ કરાઇ હતી. વીરપુર પોલીસ દ્વારા બંન્ને દીકરીઓની ખેતરો, ડુંગરોમાં તપાસ આરંભી હતી. પરંતુ કોઇ ભાળ ન મળતા પોલીસે તેમનું મોબાઇલ લાસ્ટ લોકેશન મેળવ્યું હતું. જેના આધારે ડેરાઓથી એક કિમી દૂરના વિસ્તારમાં પોલીસે કૂવા, નદી-નાળા, ખેતરોમાં તપાસ કરતા મેહમુદપુરા પાસે ખેતરમાં આવેલા કૂવામાં બન્નેની લાશ જોવા મળી હતી. જે બાદ બંનેની લાશને બહાર કાઢી હતી. વીરપુર PSI ના દ્વારા જણાવ્યા મુજબ બંને યુવતીઓ એકબીજાને જમણો, ડાબો હાથ બાંધેલી હાલતમાં મૃત મળી આવી હતી. બંન્નેની લાશને પી.એમ માટે મોકલી અપાયા હતા. તેમજ આ ઘટના હત્યા કે પછી આત્મહત્યા છે જે મામલે આગળની તપાસ વીરપુર પી.એસ.આઇ ચલાવી રહ્યા છે. ભાઇ બહેનના પર્વ રક્ષાબંધનના દિવસે કાકા-બાપાની બે દીકરીઓના મોતથી ભરવાડ પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.