- ઈન્દિરાનગરી-2માં ફેલાયેલા ઝાડા ઉલ્ટીના કેસો
- ઝાડા ઉલ્ટીને કારણે 65 વર્ષીય મહિલાનું મોત
- પાલિકાના COએ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી
દેશ એકતરફ ડિજિટલ ક્રાંતિ કરી રહ્યો છે ત્યારે જો તમને એવું સાંભળવા મળે કે રોગચાળાને કારણે કોઈનું મોત થયું છે તો તમને ચોક્કસ આશ્ચર્ય થશે. જોકે, નડિયાદમાં આ વાત સાચી થઈ છે. નડિયાદમાં એક વૃદ્ધાનું રોગચાળાને કારણે મોત થયું છે. નડિયાદમાં ઈન્દિરાનગરી-2માં ફેલાયેલા ઝાડા ઉલ્ટીના કેસોમાં એક વૃદ્ધ મહિલાનું મોત થયા બાદ તંત્ર સફાળુ જાગી દોડતું થયુ. પાલિકાના COએ મૃતક ઘરની અને વિસ્તારની મુલાકાત લીધી હતી.
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ ઈન્દિરાનગરી-2માં ફેલાયેલા ઝાડા ઉલટીના કેસોમાં એક 65 વર્ષિય વૃદ્ધ મહિલાનું મોત નિપજયા બાદ તંત્ર દોડતું થયું છે. નડિયાદ નગરપાલિકાના COએ મૃતકના ઘરની તેમજ વિસ્તારની મુલાકાત લીધી અને સંપૂર્ણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને બીજી તરફ મૃતક પરિવારજનોએ ઝાડા ઉલટી થવાથી મહિલાનું મોત નિપજ્યું હોવાના આક્ષેપો કર્યા છે.
નડિયાદ શહેરના વોર્ડ 11માં ઈન્દિરાનગરી-2માં છેલ્લા ચાર દિવસથી ઝાડા ઉલટીના વાવળથી હડકંપ મચ્યો છે. ઘેર ઘેર લોકો બીમારીમાં સપડાયા છે. તો વળી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પણ અસંખ્ય લોકો સારવાર લઈ રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અંદાજીત 150થી વધુ લોકો ઝાડા ઉલટીના વાવળમા સપડાયા છે. તો બીજી તરફ આ ઝાડા ઉલટીના કેસમાં આજે એક વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
અહીયા મંદિર પાસે રહેતા 65 વર્ષિય મીનાબેન જમુબેન સોલંકીને ગતરોજ રાત્રે અચાનક ઝાડા ઉલટી થતા તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં લઈ દવા આપી ઘરે લાવી દેવાયા હતા. બીજા દિવસ સવારે એટલે કે આજે મંગળવારના રોજ તેમને વધુ ઝાડા ઉલટી થતા 108 એમ્બ્યુલન્સ મારફતે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મૃતક વૃદ્ધાના સગા નરેશભાઈ સોલંકીએ કહ્યું કે, મારા મોટાબેન મીનાબેન કે જેઓ નડિયાદ નગર પાલિકામાં સફાઈ કામદારની નોકરી કરતા હતા અને વર્ષ 2019મા નિવૃત્ત થયા હતા. અહીંયા છેલ્લા એક સપ્તાહથી દૂષિત પાણી આવે છે જે પીવાથી આ રોગચાળો આ વિસ્તારમાં ફેલાયેલો છે અને લગભગ 150થી વધુ લોકો આ ઝાડા ઉલટીના શિકાર બન્યા છે. નઘરોળ પાલિકા દ્વારા રહી રહીને ચામગીરી શરુ કરાઈ જેમાં બે જગ્યાએ ખાડા ખોદી લીકેજ શોધવાની કામગીરી છેલ્લા બે દિવસથી કરાઈ રહી છે.
બીજી તરફ એક મહિલાના મોત બાદ સફાળા જાગ્યા હોય તેમ પાલિકાના સીઓ રૂદ્રેશ હુદડ દોડી આવી મૃતક ઘરની મુલાકાત લીધી હતી અને સંપૂર્ણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે પોતાની નિષ્ફળતાનો લૂલો બચાવ કરતા જણાવ્યું કે, છેલ્લા ચાર દિવસથી આ સમસ્યા અમારા ધ્યાને આવી છે. પાલિકા તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમે સંયુક્ત સર્વેની કામગીરી હાથ ધરી ઘેર ઘેર સર્વે કરાયો છે. ક્લોરિન ટેસ્ટ પણ કરાયા છે. જેમાં ક્લોરિન ટેસ્ટ બરાબર આવે છે મેઈન લાઇન ખોદાવી ચેક કરાવી છે. પાણી ક્લિયર આવે છે ડ્રેનેજનું પાણી મિક્સ થતું ક્યાંય દેખાતું નથી.
જ્યારે સંદેશ ન્યુઝની ટીમે વિસ્તારની મુલાકાત લીધી ત્યારે સ્થાનિકોએ પણ દૂષિત પાણીની સમસ્યાને લઈ પોતાનો રોષ ઠાલવ્યૉ હતો અને વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ કરી છે.