- ખ્રિસ્તી બંધુઓના કાર્યક્રમમાં પહોંચેલા ગામના હિન્દુ યુવાનો અને લોકોએ વિરોધ કર્યો
- હિન્દુ યુવાનો તથા લોકોએ પહોંચી વિરોધ વ્યક્ત કરતા મામલો ગરમાયો
- આખરે ગ્રામજનોને ખાત્રી થતા મામલો શાંત થયો હતો
નિઝરના નવા નેવાળા ખાતે ગુરુવારે ઘરઉદ્ઘાટન(ઘરભરણી) ના કાર્યક્રમમાં એકત્રિત થયેલા ખ્રિસ્તીબંધુઓને લીધે ધર્માંતરણ થતું હોવાની આશંકા સાથે ગામના કેટલાંક હિન્દુ યુવાનો તથા લોકોએ પહોંચી વિરોધ વ્યક્ત કરતા મામલો ગરમાયો હતો.
નિઝર તાલુકાના નવા નેવાળામાં ગુરુવારે રામનવમીના પાવન અવસરે જ ધર્માંતરણના કાર્યક્રમ થતા હોવાની શંકાના આધારે ગામના યુવાનો તથા કેટલાંક લોકો ખ્રિસ્તીબંધુઓના કાર્યક્રમના સ્થળે ધસી વિરોધ વ્યક્ત કર્યો હતો. સ્થળ ઉપર મહારાષ્ટ્ર વિસ્તારમાંથી પણ ખ્રિસ્તીબંધુઓ આવેલા હોવાથી જેઓ દ્ધારા ગરીબ-ભોળા આદિવાસીઓને ધર્માંતરણ કરાવવામાં આવતું હોવાના આક્ષેપ કર્યા હતા. પ્રાર્થનાને નામે ધર્માંતરણ કરાવવાની મેલી મુરાદ સાથે કાચું ઘર બનાવી ચર્ચ શરૂ કરાવતા હોવાના આક્ષેપ કરી બહારગામથી આવેલા ખ્રિસ્તી અનુયાયીઓને ગામના યુવાનોએ ગામમાંથી નીકળી જવા જણાવ્યું હતું. સમગ્ર મામલો બિચકતા જેની જાણ થતા જ નિઝર પોલીસનો કાફલો ઘટનાસ્થળ ઉપર પહોંચી ગયો હતો. હોબાળાને લઇને ગામનું વાતાવરણ તંગ બન્યું હતું. જો કે સમયસર પહોંચેલ પોલીસે સમગ્ર મામલો સંભાળ્યો હતો. નિઝર પોલીસે રીપોર્ટ કર્યો હતો કે, નેવાળામાં રહેતા રૂલાબેન ગીજીભાઇ પાડવી અને તેમનો પરિવાર ખ્રિસ્તીધર્મ પાળતા હોય, આજરોજ તેઓના ઘરની બાજુમાં ઘરભરણીના કાર્યક્રમ રાખેલો હતો. જેમાં તેમના સગાવહાલા ધાનોરા, મહારાષ્ટ્રથી 10 થી 15 જેટલા આવેલા હતા. તથા જમવાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો. સરપંચની પરવાનગી મેળવી સ્થળ તપાસ કરતા ધર્મપરિવર્તનને લગતો કોઇપણ કાર્યક્રમ જણાઇ આવેલો ન હતો. આખરે ગ્રામજનોને ખાત્રી થતા મામલો શાંત થયો હતો.