- વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો
- RFO એ અનેક વખત દુષ્કર્મ આચર્યુ હોવાનો આરોપ
- વેરાવળ ફોરેસ્ટ ઓફિસમાં દુષ્કર્મ આચર્યુ હોવાનો આક્ષેપ
ગીર સોમનાથ જીલ્લાના વેરાવળમાં વન વિભાગના અધિકારીએ પરણિત મહિલા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ થતા વન વિભાગના બેડામાં ચકચાર મચ્યો હતો. વેરાવળ પોલીસે વન વિભાગના અધિકારી સહીત અન્ય બે ઇસમો વિરુદ્ધ પણ બળાત્કારનો ગુનો નોંધ્યો હતો. જે બાદ વેરાવળ પોલીસે રેંજ ફોરેસ્ટ ઓફિસરની ધરપકડ કરી હતી.
ફોરેસ્ટ ઓફીસ તેમજ ક્વાર્ટરમાં મહિલા ઉપર દુષ્કર્મ આચર્યું
મળતી માહિતી મુજબ વેરાવળ ફોરેસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા રેંજ ફોરેસ્ટ ઓફિસર હરેશ ગલચરે સુત્રાપાડાની પરણિત મહિલા ઉપર અનેક વખત બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ વેરાવળ પોલીસ મથકમાં ભોગ બનનાર પરણિત મહિલાએ નોંધાવી હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે RFO અને તેની સાથે રહેલા અન્ય બે ઇસમો મહિલા ઉપર અવારનવાર વેરાવળ ફોરેસ્ટ ઓફિસમાં તથા ફોરેસ્ટ ક્વાર્ટરમાં દુષ્કર્મ આચરતા હતા. પોલીસે હાલ મહિલાની ફરિયાદના આધારે તપાસ શરુ કરી છે.
RFO વિરુદ્ધ પોલીસ ફરિયાદ બાદ વેરાવળ વન વિભાગમાં ખળભળાટ
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે રેંજ ફોરેસ્ટ ઓફિસર હરેશ ગલચર અને તેના બે અન્ય સાગરીતો દાનીશ પંજા, અને રાજ ગલચર વિરુદ્ધ ફરિયાદ નોંધાતા અને પોલીસ દ્વારા વન વિભાગના અધિકારીની ધરપકડ થતા સમગ્ર વેરાવળ ફોરેસ્ટ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો.