- વેરાવળ અને તાલાળામાં મન મૂકીને વરસ્યો વરસાદ
- વેરાવળના હિરણ-2 ડેમમાં 5 દરવાજા 2થી 3 ફૂટ ખોલાયા
- રાજ્યમાં રાત્રે 8 વાગ્યા સુધીમાં 151 તાલુકામાં વરસાદ નોંધાયો
હવામાન વિભાગની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સૂત્રાપાડમાં છેલ્લા 10 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના પગલે સૂત્રાપાડામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રાજ્યમાં આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં 151 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
આજે વહેલી સવારથી જ સુત્રાપાડામાં અનરાધાર વરસાદના પગલે કુલ 14 ઇંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદના પગલે સુત્રાપાડા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે.
ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થઈ છે. જેના કારણે વેરાવળના હિરણ-2 ડેમમાં પાણી છોડાયું છે. હિરણ – 2 ડેમના 5 દરવાજા 2થી 3 ફૂટ ખોલાયા છે. આ કારણે હિરણ – 2 ડેમમાં પાણીની જાવક 8502 ક્યુસેક કરવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લામાં જાણે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ ચોમાસાના ત્રીજા રાઉન્ડના પહેલા જ દિવસે જળ બંબાકારની સ્થતિ સર્જાય છે. સૌથી સુત્રાપાડા અને કોડીનાર માં જાણે મેઘો ઓળઘોળ થયો હોય તેમ મન મૂકી વરસ્યો. મેઘરાજા હવે ખેડૂતો અને લોકો માટે આફત સમાન બની રહ્યો છે, કારણ કે ધીમીધારે વરસ્યા બાદ જાણે આકાશ માંથી આભ ફાટ્યું હોય તેમ અનરાધાર વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું છે.
બીજી તરફ રાજકોટ ધોરાજીમાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી રસ્તાઓ પાણી પાણી થયા છે. તેમજ ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેતપુર રોડ, જુનાગઢ રોડ, જમનાવડ રોડ પાણી પાણી થયો છે.