- ‘પરિજનના કહ્યા પ્રમાણે મારતા મારતા લઈ ગયા હતા’
- આવું કૃત્ય કરવાનો અધિકાર કોઈને નથી : હીરા સોલંકી
- આવું કર્યું હશે તો કોઈને બક્ષવામાં નહીં આવે: સોલંકી
ગીર સોમનાથના સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે, ગીર સોમનાથ ઇન્ચાર્જ પોલીસ વડા દ્વારા સમગ્ર મામલે મોટો ખુલાસો કર્યો છે. તો બીજી બાજુ, આ મોત મામલે રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.
ગીર સોમનાથ ઇન્ચાર્જ પોલીસ વડાના મોટા ખુલાસા
સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં જાફરાબાદના ભટવડર ગામના જોડીયા નરેશભાઈ જીવાભાઈ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ સ્ટેશનમાં તેને માર મારવામાં આવતા તે ઘાયલ થયો હતો. ઇજાગ્રસ્ત આરોપીને પ્રથમ સુત્રાપાડા ત્યારબાદ વેરાવળ, જૂનાગઢ, રાજકોટ અને અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેનું મોત થયું હતું. આરોપીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેનું સારવાર દરમ્યાન મોત થતા તેમના પરિવારે પોલીસ પર માર મારવાનો આરોપ લગાવ્યો છે. જે મામલે ગીર સોમનાથ ઇન્ચાર્જ પોલીસ વડા ભાસ્કર વ્યાસે પ્રતિક્રિયા આપી હતી. ઇન્ચાર્જ એસપી દ્વારા જણાવવામાં આવ્યું છે કે મૃતક યુવકે લોકઅપમાં પોતે જ પોતાનું માથું ભટકાવ્યું હતું. જેને કારણે તેને ઇજા થઈ હતી. તો સાથે સાથે યુવકને મેજિસ્ટ્રેટ સમક્ષ પણ વર્ચ્યુઅલી રજૂ પણ કરવામાં આવ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું છે કે તાલાલા CPI પરના આક્ષેપને લઈ તપાસ કરવામાં આવશે.
ધારાસભ્ય હીરા સોલંકીની અધિકારીઓને ચીમકી
અમરેલીના જાફરાબાદના ભટવદર ગામના યુવકના મોતના મોત મામલે રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. ધારાસભ્ય હિરા સોલંકીએ જણાવ્યું છે કે બે દિવસ પહેલા નરેશભાઈ જોડીયા નામના યુવકની સુત્રાપાડા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ યુવકને તેના જ પરિવારજનોના કહેવા મુજબ માર મારતા મારતા લઈ જવામાં આવ્યો હતો. આ યુવકને માથામાં ઇજાઓ થવાને કારણે દાખલ કરવો પડ્યો હતો. જ્યાં બાદમાં તેનું મોત થયું હતું. તો, યુવકના મોતને લઈને ધારાસભ્ય હિરા સોલંકી દ્વારા અધિકારીઓને ચીમકી આપવામાં આવી છે. હિરા સોલંકીએ જણાવ્યું હતું કે આવુ કૃત્ય કરવાનો અધિકાર કોઈને નથી. જો આવુ કરવામાં આવ્યું હશે તો કોઈને બક્ષવામાં નહિ આવે.