- આશાવર્કરોએ પ્રવીણ રામને પણ બાંધી રાખડી
- આશા વર્કરોએ નવા યુનિયનની કરી સ્થાપના
- રાણી લક્ષ્મીબાઈ આશા યુનિયનની કરી સ્થાપના
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આશા બહેનોનો સરકાર સમક્ષ નવતર વિરોધ કરવામાં આવ્યો છે. રક્ષાબંધન નિમિત્તે મુખ્યમંત્રીને રાખડી મોકલી લઘુત્તમ વેતનની માંગણી કરવામાં આવી છે.
આશા બહેનો એ આંદોલનકારી પ્રવીણ રામને પણ રાખડી બાંધી હતી. આશા બહેનોના નવા યુનિયનની સ્થાપના કરવામાં આવી છે. સોમનાથની ધરતી પરથી રાણી લક્ષ્મીબાઈ આશા યુનિયનની ઘોષણા કરવામાં આવી હતી. આ યુનિયનના નેજા હેઠળ આશા બહેનો સરકાર સામે લડત ચલાવશે.
મોરબીમાં આશાવર્કર બહેનો અને આંગણવાડી કાર્યકરોએ વિરોધ ઉઠાવ્યો હતો
મોરબી કલેક્ટર કચેરીના પરિસરમાં મોરબીની આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ એકઠા થઈને ધરણા કર્યા હતા. વર્કરોએ સૂત્રોચ્ચાર કરીને ‘વય મર્યાદા દૂર કરો’ ‘અમે અમારો હક માંગીએ છીએ ભીખ નથી માગતા’, ‘કાયમી કરો’ ‘પેન્શન યોજના ચાલુ કરો’, ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ અંગે ઓલ ગુજરાત આશા વર્કર અને આંગણવાડી વર્કર યુનિયનના ઉપપ્રમુખ રંજનબેન સંઘાણીએ કહ્યું હતું કે, 2018 પછી માનદ વેતનમાં થોડો પણ વધારો કરવામાં આવ્યો નથી. મોંઘવારી વધી છે તેમ છતાં છ વર્ષથી વેતનમાં વધારો કરાયો નથી. સાથે જ આંગણવાડી વર્કરોના આ વર્ષના બજેટમાં 350 કરોડ રૂપિયાનો કાપ મૂકવામાં આવેલ છે. તેથી બજેટમાં વધારો કરવામાં આવે અને તમામ બહેનોને ગુજરાત સરકારના નિયમ પ્રમાણે એક દિવસના રૂપિયા 496 લેખે લઘુતમ વેતન આપવામાં આવે. જો તુરંત જ આ અંગે નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી તારીખ 20, 21 અને 22 ઓગસ્ટના રોજ સમગ્ર ભારતમાં હડતાળ પાડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
બોટાદના આશાવર્કર બહેનોની અલગ-અલગ પડતર માંગણીઓને લઈ આવેદનપત્ર
બોટાદ જિલ્લા આશાવર્કર બહેનોનાં પ્રતિનિધિ દ્વારા બોટાદના ધારાસભ્યની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રાજ્ય સરકારનું ધ્યાન દોરવા માંગણી કરી હતી.
ગુજરાતમાં આશા ફેસીલેટર બહેનોની સરકાર પાસે અનેક માંગણીઓ બાકી છે. થોડા દિવસ પહેલાં ગુજરાતભરના તમામ જિલ્લાઓમાં આશા ફેસીલેટર બહેનો એકત્ર થઈ કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું હતું. પરંતુ સરકાર દ્વારા આ અંગે કોઈ નિર્ણય નહીં લેવાતાં બોટાદની આશાવર્કર બહેનોની વિવિધ માંગણીઓને લઈ બોટાદ જિલ્લા આશાવર્કર બહેનોનાં પ્રતિનિધિ દ્વારા બોટાદના ધારાસભ્યના કાર્યાલય ખાતે આવેદનપત્ર પાઠવી સરકારનું ધ્યાન દોરવા માટે માગ કરી હતી.
આશાવર્કરો માટે એક વર્ષ પહેલાં વેતનમાં વધારો કરવામાં આવ્યો હતો તે હજુ સુધી ળ્યો નથી, કાયમી કરવાની પણ માંગણી કરી છે, અલ્પ શિક્ષિત બહેનોને ડિજિટલ કામગીરી કરવામાં મુશ્કેલી પડે છે ત્યારે તેઓને ઓનલાઇન કામથી અળગા રાખવામાં આવે તેમજ સરકારી અન્ય કામગીરીમાં ફરજિયાત જોડાવાથી મુક્તિ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જેવી અનેક માંગણીઓ સરકાર પાસે પડતર છે, જેનો કોઈ નિર્ણય લેવાયો નથી.