- વેરાવળમાં ફરસાણની દુકાનોમાં ફુડ વિભાગનું ચેકીંગ
- 8 દુકાનોમાંથી મીઠાઈ-ફરસાણના 23 સેમ્પલ લેવામાં આવ્યા
- 45 કિલો વાસી ફરસાણ, 30 કિલો અખાદ્ય તેલનો નાશ કરાયો
સાતમ આઠમના તહેવારો આવતા પહેલા જ ફૂડ વિભાગ સર્તક થઈ ગયો છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગીર સોમનાથના વેરાવળમાં સાતમ આઠમના તહેવારોને લઈને ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યુ છે.
પ્રાંત અધિકારી અને ફૂડ વિભાગની ટીમે 8 ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યુ
વેરાવળમાં ફરસાણની દુકાનોમાં ફુડ વિભાગે વ્યાપક ચેકીંગ શરૂ કર્યુ છે. પ્રાંત અધિકારી અને ફૂડ વિભાગની ટીમે 8 ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યુ અને આ 8 દુકાનોમાંથી ફરસાણ મીઠાઈના કૂલ 23 સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સાથે જ 3 દુકાનદારોને સાફ સફાઈ વ્યવસ્થિત રીતે રાખવા માટે કડક સૂચના આપવામાં આવી છે.
45 કિલો વાસી ફરસાણ અને 30 કિલો બળેલા તેલનો નાશ કરવામાં આવ્યો
ચેકિંગ દરમિયાન 45 કિલો વાસી ફરસાણ અને 30 કિલો બળેલા તેલનો નાશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે તહેવારોને લઈ ફૂડ વિભાગ સતર્કતાની કામગીરી કરી રહ્યો છે. ત્યારે અઠવાડિયામાં બીજી વખત ફૂડ વિભાગના ચેકિંગથી ભેળસેળિયા કરનારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
અગાઉ પણ શહેરમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું
ઉલ્લેખનીય છે ફૂડ વિભાગ દ્વારા અગાઉ પણ શહેરમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તે દરમિયાન પણ મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને સાફ સફાઈને લઈને પણ દુકાનદારોને સૂચના આપવામાં આવી હતી.
જામનગરમાં પાણીપુરીના મોટા જથ્થાનો કરાયો હતો નાશ
થોડા દિવસ પહેલા જ જામનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં 44 જેટલી પાણીપુરીની લારીઓનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ફૂડ વિભાગ દ્વારા અલગ -અલગ જગ્યાએથી 580 લીટરથી વધુ પાણીપુરીનું પાણી અને 38 કિલો પાણીપુરીનો માવો, 2000 નંગ જેટલી પાણીપુરી, 1 કિલો ચટણી અને 10 કિલો બરફનો નાશ સ્થળ પર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં વધી રહેલા રોગચાળાને લઈને ફૂડ વિભાગ હરકતમાં આવ્યું હતું અને કડક કાર્યવાહી કરી હતી.