- દમણની મુલાકાત વખતે વડાપ્રધાને માતા અને પુત્રીની પ્રશંસા કરી
- યોગાનુયોગ દમણ ખાતે NIFTનું સેન્ટર સ્થપાતા બન્નેએ પ્રવેશ મેળવ્યો
- પોતાની માતાનું 27 વર્ષ જૂનું ફેશન ડિઝાઈનર બનવાનું સ્વપ્નને પૂરું કર્યું
સંઘપ્રદેશ દમણમાં રહેતા એક ગુજરાતી પરિવારને વડાપ્રધાને રૂબરૂ મુલાકાત આપી અને પરિવારની દીકરી તથા તેની માતાની પ્રશંસા કરી. પ્રશાસન દ્વારા પણ તેની નોંધ લેવાઈ હતી, કારણ હતું એક યુવાન દીકરીએ પોતાની માતાનું 27 વર્ષ જૂનું ફેશન ડિઝાઈનર બનવાનું સ્વપ્નને પૂરું કર્યું હતું.
સંઘપ્રદેશ દમણમાં હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધી વિવિધ પ્રકલ્પોના શિલાન્યાસ અને લોકાર્પણ સાથે એક પરિવારનું સુખદ સંભારણું પણ લઈ ગયા. દમણ ખાતે રહેતા મુક્તિબેન ભૂપેન્દ્રભાઈ પટેલ (ભંડારી) આમ તો અંગ્રેજી માધ્યમની શાળામાં વર્ષોથી શિક્ષિકા તરીકે સેવા આપતા હતા, પરંતુ તેઓ અપરિણીત હતા ત્યારે આજથી 27 વર્ષ પહેલા ફેશન ડિઝાઈનરનો અભ્યાસ કરી પ્રોફેશનલ ફેશન ડિઝાઈનર બનવાનું સ્વપ્ન હતું ત્યારે નવસારીથી ગાંધીનગર જઈ એનઈએફટીમાં અભ્યાસ કરવો શક્ય બન્યું નહોતું તે પછી મુક્તિબેનના દમણ ખાતે લગ્ન થયા. લગ્ન બાદ તેમણે તાલિમી સ્નાતકની ડિગ્રી મેળવી શિક્ષિકાની નોકરી સ્વીકારી. તેમની દીકરી દ્રષ્ટિએ શાળાકીય શિક્ષણ બાદ માતાની જેમ ફેશન ડિઝાઈનર બનવાનું સ્વપ્ન જોયું અને યોગાનુયોગ દમણ ખાતે NIFT (નેશનલ ઈન્ટિટયૂટ ઓફ ફેશન ટેક્નોલોજી)નું દેશમાં 18મું સેન્ટર ભારત સરકાર દ્વારા સ્થાપવામાં આવ્યું.
મુક્તિબેને દીકરી દ્રષ્ટીને લઈને એનઆઈએફટી સેન્ટર પર ગયા ત્યાં તેના પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભર્યું અને ઓફિસમાં જમા કરાવ્યું ત્યારે દ્રષ્ટિએ ઓફિસ હેડને પ્રશ્ન કર્યો કે ફેશન ડિઝાઈનરના અભ્યાસમાં પ્રવેશ માટે કોઈ ઉંમરની મર્યાદા ખરી ? દ્રષ્ટીને ખબર હતી કે માતાને 27 વર્ષ પહેલા ફેશન ડિઝાઈનર બનવું હતું. આજે તક સામે હતી. ઓફિસ હેડ એ આ કોર્ષમાં પ્રવેશ માટે ઉંમરની મર્યાદા ન હોવાનું જણાવતા જ મુક્તિબેનના ચહેરા ઉપર ફરી પેલો તરવરાટ સ્પષ્ટ ઊભરી આવ્યો અને મા-દીકરી બંનેએ એન.આઈ.એફ.ટી. પ્રવેશ ફોર્મ ભરી 5 કલાકની એન્ટ્રન્સ ટેસ્ટ આપી. બંને પરીક્ષા પાસ થઈ ગયા એટલું જ નહી ઓરલ ઈન્ટરવ્યુમાં પણ ઉત્તીર્ણ થતા પ્રવેશ મળી ગયો. હવે બંને મા-દીકરી એક જ કોલેજમાં એક જ વર્ગમાં ફેશન ડિઝાઈનરનો અભ્યાસ શરૂ કરી દીધો છે.
દ્રષ્ટિએ પ્રધાનમંત્રીને ધન્યવાદ પત્ર લખ્યો હતો તેની તેમણે નોંધ લઈ સામેથી મુલાકાત આપી
માતાનું 27 વર્ષ જૂનું સ્વપ્ન પૂર્ણ થયું તે પાછળ ભારત સરકાર દ્વારા દમણ ખાતે 18મા એનઆઈએફટી સેન્ટરનો પ્રારંભ થવો એક માત્ર કારણ હોય દીકરી દ્રષ્ટિએ પ્રધાનમંત્રીને ધન્યવાદ પત્ર લખી મોકલ્યો હતો. તેના આ પત્રની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બરાબર લીધી હતી અને તેમના 25મી એપ્રિલના દમણ ખાતેની મુલાકાત પહેલા પીએમઓમાંથી દ્રષ્ટી પટેલ ઉપર ફોન આવ્યો અને જણાવ્યું કે વડાપ્રધાન 25મીએ આપને રૂબરૂ મુલાકાત આપશે.
આ વાત સાંભળી વિશ્વાસ ન હતો થયો, પરંતુ આખરે 25મી એપ્રિલે વડાપ્રધાન સાથેની મુલાકાત શક્ય બની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુક્તિબેન તથા દ્રષ્ટી બંનેને સાથ વાતચીત કરી અને બંનેની જ્ઞાનપિપાસાની પ્રશંસા કરી આ ઘટનાને અવિસ્મરણીય પ્રસંગ બનાવી દીધો.