- ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગણતરી માટે તાલીમ અપાશે
- ડ્રોન કેમેરાથી મગરની ગણના કરવામાં આવશે.
- પાર્કની દરખાસ્ત કરીને પ્રક્રિયા હાથ ધરાઇ છે
આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના મલાતજ, ડભોઉ, દેવા તળપદ ગામોના તળાવો મગરોના પ્રજનન, આશ્રાયસ્થાનો માટે સુરક્ષિત હોઇ ગ્રામ્ય તળાવોમા મોટી સંખ્યામાં મગરો નિવાસ કરે છે. ત્યારે ત્રણેય ગામોમા ક્રોક્રોડાઇલ પાર્ક તૈયાર કરીને વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે સોજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલે રાજ્ય સરકાર- વન વિભાગને રજુઆત કરી હતી. જેને ધ્યાને લઇને વન વિભાગ દ્વારા ત્રણેય વિસ્તારોમા જરૂરી ઇન્ફાસ્ટ્રકચર અંગે સર્વે કરીને ક્રોક્રોડાઇલ પાર્કની દરખાસ્ત તૈયાર કરીને ઉચ્ચસ્તરે મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે.
જિલ્લા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સોજીત્રા તાલુકાના જે જળસ્ત્રોતો જયાં મગરો મોટી સંખ્યામા આશ્રાય લે છે તે તમામ વિસ્તારોમાં હાલમાં મગરોની વસ્તીગણના માટે વન અધિકારી, વનપાલ, વનરક્ષક, રોજમદારો, સ્વયંસેવકોની તાલીમનો પ્રારંભ થયો હોઇ ગણતરી દરમ્યાન રાખવામા આવતી સાવધાની. ડ્રોન કેમેરાથી મગરોની ગણના, વસ્તી ગણતરી માટે અનુકુળ સમય સહિતની તાલીમ આપવામા આવી રહી છે. સાથોસાથ સોજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલે ઉચ્ચસ્તરે કરેલી રજુઆતને ધ્યાને લઇને તાજેતરમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વડોદરા સ્થિત એજન્સીની તજજ્ઞ ટીમને ત્રણેય ગામોની મુલાકાત કરાવી ક્રોક્રોડાઇલ પાર્ક માટે સ્થળ-જગ્યાની પસંદગી, જરૂરી માળખુ, જે-તે ગામ તળાવોમાં સુવિદ્યા અંગે ચર્ચા-વિમર્શ કરીને સર્વે કરાવી પ્રારંભિક રૂપરેખા તૈયાર કરી હોઇ જે પ્રક્રિયા બાદ નકશા સાથેની દરખાસ્ત ગાંધીનગર કક્ષાએ મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરવામા આવી છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા મલાતજ, ડભોઉ અને દેવા તળપદમા ક્રોક્રોડાઇલ પાર્ક વિકસાવવા માટે જગ્યા મેળવવા, સ્થળ પસંદગી બાદ તેના નિર્માણ માટેનુ માળખુ તેની ચોતરફ જાળીનુ ફેન્સીંગ કરીને પર્યટકો દુરથી મગરો તેમજ- તેના દૈનિક ક્રિયાકલાપોને નિહાળી શકે તે મુજબનુ સ્ટ્રકચર તૈયાર કરાશે.