- આરોપીઓનો મોડી સાંજે ઊંઝા કોર્ટમાં રજૂ કરાયા
- તમામ આરોપીઓ 1 એપ્રિલ સુધી રિમાન્ડ પર
- મુખ્ય સુત્રધાર રાજુ ચૌધરીનો ગુનાહિત ઇતિહાસ
ઉનાવા મીરા દાતાર હાઈસ્કૂલમાંથી વન રક્ષકની પરીક્ષામાં બહાર આવેલ કોપી કેસમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા 8 આરોપીઓને મોડી સાંજે ઊંઝા કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં કોર્ટે સરકારી વકીલોની દલીલોને ધ્યાનમાં રાખી તમામ આરોપીઓને 1 એપ્રિલ સુધી 4 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે.
રવિવારે યોજાયેલી વન સંરક્ષક ની પરીક્ષા દરમિયાન ઉનાવા મીરા દાતાર સ્કૂલમાંથી કોપી કેસ સામે આવતા કેટલાક ચોક્કસ વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવા માટે હાઇસ્કૂલના શિક્ષક સહિતના વ્યક્તિઓએ પ્રી પ્લાનિંગ કરીને ષડયંત્ર કર્યું હોવાનો પર્દાફશ જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા કરાયો હતો.
પોલીસે પરીક્ષાર્થી રવિ મકવાણા અને સમગ્ર કોપી કેસના કાંડને અંજામ આપનાર મુખ્ય સૂત્રધાર શિક્ષક રાજુ ચૌધરી સહિતના 8 આરોપીઓની ધરપકડ કરીને સોમવારે મોડીસાંજે ઊંઝા કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં સરકારી વકીલ વિજય બારોટની દલીલોને ધ્યાને લેતા કોર્ટ દ્વારા તમામ આરોપીઓને પહેલી એપ્રિલ સુધી 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા
ઉલ્લેખનીય છે કે, વન સંરક્ષકની પરીક્ષા દરમિયાન કરાયેલ ગેરરીતિ મામલે રિમાન્ડ દરમિયાન આરોપીઓ દ્વારા હાઈસ્કૂલમાં પરીક્ષા આપી રહેલા 300 વિદ્યાર્થીઓ પૈકી કોને કોને જવાબો મોકલ્યા હતા? સહિતના વિવિધ મુદ્દાઓની તપાસ હાથ ધરાનાર છે, ત્યારે આગામી દિવસોમાં સમગ્ર કેસમાં પોલીસ તપાસમાં હજુ પણ વધુ ખુલાસાઓ થઈ શકે એમ છે
શિક્ષક રાજુ ચૌધરી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે
સમગ્ર કોપીકેસ કાંડમાં મુખ્ય સૂત્રધાર મનાતો હાઇસ્કૂલના શિક્ષક રાજુ માનસંગ ચૌધરી 2005ની સાલમાં કોલેજમાં ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપતાં ઝડપાઇ ગયો હતો અને તેના વિરુદ્ધ ગુનો પણ નોંધાયો હોવાનું બહાર આવવા પામ્યું છે.