- પેરોલ ફર્લોની ટીમે બાડમેરના રણમાંથી દબોચ્યા
- નાસતા ફરતા આરોપીઓને દબોચી લીધા હતા અને વડનગર પોલીસ હવાલે કર્યા હતા.
- પાંચ મોબાઇલ સહિત કુલ રૂ.30,91,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
- રાજસ્થાનના શખ્સની સંડોવણી ખુલી
ઉંઝામાંથી પકડાયેલા રૂ.30.65 લાખના એમ.ડી. ડ્રગ્સ પ્રકરણમાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચોહટન તાલુકાના સોડીયા ગામના બે શખસોના નામ ખુલ્યા બાદ મહેસાણાની પેરોલ ફર્લો સ્કવોડે બાડમેરના રણ વિસ્તારમાંથી બન્ને નાસતા ફરતા આરોપીઓને દબોચી લીધા હતા અને વડનગર પોલીસ હવાલે કર્યા હતા.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ઉંઝાના ગંજબજાર પાસે શ્રીજી ટ્રેડીંગની સામે આવેલી બંધ ફેકટરીની ઉપર આવેલી ઓરડીમાંથી મહેસાણા એસઓજીએ રૂ.રૂ.30,65,800ની કિંમતના 306.58 ગ્રામ ડ્રગ્સ સાથે ભોજારામ ભૂરારામ ગોદારા(રે.સોડીયા, તા.ચોહટન, જિ.બાડમેર, રાજસ્થાન) અને એક બાળ કિશોરને ઝડપી લીધો હતો અને તેમના કબજામાંથી પાંચ મોબાઇલ સહિત કુલ રૂ.30,91,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગે પૂછપરછમાં આરોપી ભોજારામ ભૂરારામ ગોદારાએ આ એમ.ડી.ડ્રગ્સનો જથ્થો બાડમેરના ચોહટનના સોડીયા ગામના ગોદારા સતારામ ખેતારામ અને ગોદારા ગમડારામ ખેતારામ નામના બે ભાઇઓ લાવતા હોવાની કબુલાત કરી હતી, જેના આધારે મહેસાણાની પેરોલ ફર્લો સ્કવોડને બન્ને આરોપીઓને બાડમેરના ચોહટન તાલુકા વિસ્તારમાં આવેલા રણ વિસ્તારમાં છુપાયેલા હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફે છાપો મારી ગોદારા સતારામ ખેતારામ અને ગોદારા ગમડારામ ખેતારામને દબોચી લીધા હતા અને વડનગર પોલીસ હવાલે કર્યા હતા. 14 દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ વડનગર પોલીસ મથકના પીએસઆઇ આનંદ દેસાઇએ જણાવ્યું હતું કે બન્ને આરોપીઓ આ એમ.ડી.ડ્રગ્સનો વેપલો છેલ્લા દોઢેક વર્ષથી કરતા હોવાનું બહાર આવ્યું છે, ત્યારે તેઓ એમ.ડી.ડ્રગ્સ કયાંથી લાવતા હતા, તેનો મુખ્ય સપ્લાયર કોણ છે, આ બન્ને ભાઇઓને એમ.ડી.ડ્રગ્સ વેચનારની લીન્ક કેવી રીતે મળી? સહિતના અનેક મુદ્દાઓની તપાસ માટે બન્ને આરોપીઓને 14 દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે.
રાજસ્થાનના શખ્સની સંડોવણી ખુલી
ઊંઝાના ચકચારી એમ.ડી.ડ્રગ્સ પ્રકરણમાં પકડાયેલા બન્ને ભાઇઓએ પોલીસની આગવી ઢબની પુછપરછ દરમિયાન રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચોહટન તાલુકાના જ શખસ પાસેથી ડ્રગ્સ ખરીદતા હોવાની કબુલાત કરી હતી જેના પગલે પોલીસે ડ્રગ્સ સપ્લાયરને ઉઠાવી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.