હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં ડબલ ઋતુનો કહેર જોવા મળ્યો છે અને મચ્છર જન્ય રોગોએ તરખાટ મચાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. તાલુકાના નવા ઈશનપુર ગામે ડેન્ગ્યુ અને મેલેરિયા તાવના કેસો નોંધાયા છે.
આરોગ્ય વિભાગનું જનજાગૃતિ અભિયાન ચલાવવામાં નિષ્ફળ નીવડયુ
જેમાં 1500ની આસપાસ વસ્તી ધરાવતા ગામમાં 80 જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા છે અને આરોગ્ય વિભાગની ટીમને હવે ખબર પડતાં હરકતમાં આવ્યું છે અને સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટે આરોગ્ય વિભાગ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં નિષ્ફળ નીવડયુ હોય તેમ તાલુકામાં મચ્છર જન્ય સતત ડેન્ગ્યુ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે અને એકબાજુ વરસાદમાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને બીજી બાજુ આવા સારવાર પાછળ ખર્ચા કરવા લોકો મજબૂર બન્યા છે.
80 જેટલા લોકો ડેન્ગ્યુના રોગમાં સપડાયા
હળવદના નવા ઈશનપુરમાં આસરે 1500ની વસ્તી છે એમાં પણ 80 જેટલા લોકો ડેન્ગ્યુના રોગમાં સપડાયા છે, ત્યારે આરોગ્ય વિભાગની ટીમ હવે હરકતમાં આવીને આરોગ્ય વિભાગની ટીમે સર્વે શરૂ કર્યો છે અને રિપોર્ટ ચકાસણી શરૂ કરી છે. નવા ઈસનપુરમાં રહેતા હરખાબાઈ રૂગનાથભાઈ, નારણભાઈ કાનજીભાઈ, રમેશભાઈ મકવાણા સહિતનાઓએ જણાવ્યું હતું કે અમારા ગામમાં 80 જેટલા લોકોને ડેન્ગ્યુ કેસ પોઝિટિવ આવ્યા છે અને મોટાભાગના લોકો ખાનગી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જેથી કરીને આંકડામાં ઓછા જોવા મળી રહ્યા છે, ત્યારે તાલુકા હેલ્થ ઓફિસર સહિતની ટીમ દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે.