- 21 દેશો અને 04 રાજ્યોના 71 પતંગ બાજોથી વડનગરનું આકાશ રંગબેરંગી બન્યું
- પ્રવાસન વિભાગ દ્વારા 8 થી 14 જાન્યુ. દરમિયાન પતંગ મહોત્સવનું આયોજન
- વિવિધ મહોત્સવ થકી રાષ્ટ્રની સંસ્કૃતિના આદાન-પ્રદાનનું કામ કરી રહી છે સરકાર: મંત્રી
રાજ્યના આરોગ્ય,ઉચ્ચ શિક્ષણ અને કાયદા મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લાની પૌરાણિક નગરી વડનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ કરતા જણાવ્યું હતુ કે, ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાના હેતુથી વડનગર ખાતે દર વર્ષે આંતરરાષ્ટ્રીય તાના-રીરી મહોત્સવ યોજાય છે. આજે શુભારંભ થયેલ પતંગ મહોત્સવ વર્લ્ડ હેરિટેજ સાઇટ વડનગરની પ્રસિધ્ધિમાં વધારો કરશે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ઐતિહાસિક અને વિરાસત સંસ્કૃતિની નગરી વડનગરને યુનેસ્કોએ તાજેતરમાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપ્યું છે. વડનગરની ભૂમિ પર આયોજીત થયેલ પતંગ મહોત્સવથી નવીન આયામની શરૂઆત થઇ છે.તેમણે ઉમેર્યું હતું કે, વિવિધ મહોત્સવ થકી રાષ્ટ્રની સંસ્કૃતિનું આદાન-પ્રદાન કરવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલ પતંગ મહોત્સવથી આજે ગુજરાતમાં રોજગારીનું સર્જન થયું છે. ગુજરાતના વિકાસનો પતંગ સતત બે દાયકાથી નવી ઉંચાઈઓ પાર કરી રહ્યો છે,જેના પાયામાં આપણે સૌ છીએ. તેમણે ઉમેર્યું કે, ગુજરાતનો પતંગ મહોત્સવ હવે ઈન્ટરનેશનલ એટ્રેક્શન બની ગયો છે.આ મહોત્સવથી બે દાયકા પહેલાના અદાંજીત 10 કરોડના પતંગ ઉદ્યોગનું ટર્ન ઓવર આજે રૂ.625 કરોડનું થયું છે તેમજ 1 લાખ 30 હજાર જેટલા લોકોને આ ઉદ્યોગ રોજગારી આપવાનું માધ્યમ બન્યુ છે.
ઐતિહાસિક નગરી વડનગર ખાતે યોજાનાર પતંગ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગ બાજો દ્વારા કાઇટ ફ્લાઇંગ,પતંગ-દોરીના સ્ટોલ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો,હસ્તકલા બજાર,ખાણી-પાણીના સ્ટોલ સહિતના આર્કષણોએ લોકોમાં આનંદ છવાઇ ગયો હતો. વડનગર ખાતે યોજાયેલ પતંગ મહોત્સવમાં બહરિન, કેનેડા, ઈરાક, માલ્ટા, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર, સ્પેન, લંકા, સ્વિત્ઝર્લેન્ડ, યુ.કે, ટ્યુનિશિયા, વિયતનામ, ઝિમ્બાબ્વે, ક્રોએશિયા, ઓમાન, સાઉદી અરેબિયા, ઈજિપ્ત સહિત પંજાબ, કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હી તેમજ ગુજરાતના પતંગબાજો પતંગ મહોત્સવમાં સહભાગી થયા હતા.
આ પ્રસંગે સંસદ સભ્ય મતી શારદાબેન પટેલ, ધારાસભ્ય સર્વે કરશનભાઇ સોલંકી, સરદારભાઇ ચૌધરી, સુખાજી ઠાકોર, કે.કે,પટેલ, જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા, ખાસ ફરજ પરના અધિકારી આર.આર.ઠક્કર, ડી.આર.ડી.એ સહિત અધિકારીઓ,પદાધિકારીઓ,વડનગર તાલુકા અને શહેરના અધિકારીઓ,પદાધિકારીઓ અને પતંગ રસિકો ઉપસ્થિત રહ્યા હતા.
દેશ-વિદેશથી વડનગર પતંગોત્સવમાં આવેલા પતંગરસીયાઓના પ્રતિભાવો
સિંગાપોરના પતંગબાજ કેડીસ અને અન્ય દેશના પતંગબાજ થોમસે જણાવ્યું હતું કે, આ પ્રકારના આયોજન બદલ હું સરકારની આભારી છું.આ પ્રકારના આયોજનથી ભારતમાં આવાવની તેની સંસ્કૃતિને માણવાની, વારસાનને નિહાળવાની અને પતંગ મહોત્સવમાં ભાગ લેવાની તક મળી છે. પંજાબના ડૉ. દેવેન્દ્ર પાલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા આયોજીત કાર્યક્રમમાં અનોખો અને અદ્રિતીય છે. આ પ્રકારના મહોત્સવથી સંસ્કૃતિના આદાના પ્રદાન સાથે રોજગારીનું પણ સર્જન થાય છે.
આ પ્રસંગે વડગનરના વતની અને પતંગ મહોત્સવમાં સહભાગી થયેલા ડૉ. ઉજાલ શાહે જણાવ્યું હતું કે, પતંગ મહોત્સવથી દેશ વિદેશમાં નામના મળી છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ઉજવાઇ રહેલ પતંગ મહોત્સવથી આજે વડનગરહની ધરા પાવન થઇ છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન થકી રાજ્યમાં દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. પ્રવાસન વિભાગના આ પ્રકારના આયોજનથી સ્થાનિક સ્તરે રોજગારીની તકોનું સર્જન થયું છે પરિણામે અર્થતંત્ર પણ મજબૂત બન્યું છે. પ્રવાસન સાથે જોડાયેલાં લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી પ્રાપ્ત થઈ રહી છે જેના લીધે લોકોના જીવનધોરણના સ્તરમાં પણ વધારો થયો છે.