થરાદની આશીર્વાદ એગ્રોમાંથી ઝડપાયેલા ખાતરની 30 બેગ નકલી નીકળતા હડકંપ મચી ગયો છે. નકલી ખાતરને લઈને ખેતીવાડી અધિકારીએ એગ્રોના માલિક અને સંચાલક સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવીને વધુ તપાસ હાથ ધરી છે.
આશીર્વાદ એગ્રો સેન્ટરમાંથી ખરીદ્યું હતું ખાતર
થરાદના આશીર્વાદ એગ્રોમાંથી એક ખેડૂતે ડીએપી ખાતરના 8 કટ્ટા ખરીદ્યા હતા, જેમાંથી માટી નીકળી હતી અને ત્યારબાદ ખેતીવાડી અધિકારીએ ખાતરના સેમ્પલને તપાસ અર્થે મોકલી અને ગોડાઉન સીલ કર્યું હતું. જોકે જે ખાતરના સેમ્પલ મોકલ્યા હતા તે ફેલ આવ્યા છે એટલે કે આ ખાતર ડુપ્લીકેટ સાબિત થયું છે અને જેને પગલે હવે ખેતીવાડી વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.
8 કટ્ટામાંથી માટી નીકળતા ખેડૂતે કરી હતી ફરિયાદ
થરાદમાં ડુપ્લીકેટ ખાતરનો વેપલો ખેતી નિયામકની કચેરીની રહેમ નજર હેઠળ ચાલતો હોવાના આક્ષેપો વચ્ચે 8 ઓક્ટોબરે થરાદના એક ખેડૂતે આશીર્વાદ એગ્રોમાંથી ખાતરના આઠ કટ્ટા ખરીદ્યા હતા, જેમાંથી માટી નીકળી હતી. ત્યારબાદ આ ખેડૂતે ખેતીવાડી વિભાગને જાણ કરી હતી, ત્યારે ખેતીવાડી વિભાગના અધિકારીએ ઘટના સ્થળે પહોંચી અને ખાતરના કટ્ટાની ચકાસણી કરી હતી અને ત્યારબાદ તેના સેમ્પલ લેબમાં મોકલ્યા હતા અને આશીર્વાદ એગ્રોને સીલ માર્યું હતું.
થરાદના આશીર્વાદ એગ્રો સેન્ટરને સબસિડી યુક્ત ખાતર વેચવાનો પરવાનો જ ન હોવાનું તપાસમાં ખુલ્યું હતું અને આ એગ્રો સેન્ટરમાંથી ઝડપાયેલી ખાતરની 30 બેગ નકલી નીકળી છે. જેને લઈને અનેક સવાલો ઉભા થયા છે. આશીર્વાદ એગ્રો સેન્ટરમાંથી મળેલા ખાતરના નમુના પરીક્ષણ માટે મોકલાયા હતા, જેમાં ડીએપી ખાતરના રાસાયણિક તત્વો મ્યુચ્યુઅલ 2.5 ટકા હોવું જોઈએ, તે નકલી ખાતરમાં 9.96 ટકા હતું અને 18 ટકાને બદલે 1.54 ટકા, સામે આવ્યું છે. એટલે કે નકલી ખાતરનો વેપલો થતો હતો અને ખેડૂતોને પધરાવવામાં આવતું હતું. જોકે નકલી ખાતર હોવાનું સામે આવ્યા બાદ ખેતીવાડી અધિકારીએ થરાદ પોલીસ મથકે આશીર્વાદ એગ્રો સેન્ટરના માલિક કિર્તીભાઈ વશરામભાઈ ધુમડા અને એગ્રો સેન્ટર ચલાવનાર ગૌતમ સેંગલ સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.