લીંબડી તાલુકાના નળકાંઠાના ગામોમાં વસતા આદીમ જુથો માટે એક વર્ષમાં થયેલા વિકાસ કામોના લેખાજોખા રજૂ કરવા જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી રાણાગઢમા કરાઈ હતી. જેમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરાયુ હતુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2023થી પીએમ જનમન અભિયાન હેઠળ આદીમ જુથના તમામ પરિવારોને સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વીત કરી વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. ત્યારે રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને રાણાગઢ ગામની પ્રાથમીક શાળા ખાતે શુક્રવારે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત તમામ લોકોએ વડાપ્રધાન મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નીહાળ્યુ હતુ. જિલ્લા તંત્ર દ્વારા ગત માસની તા. 28મીથી તા. 15-11-24 સુધીમાં 10 ટીમ બનાવી 69 કેમ્પ કરાયા છે. જેમાં નાની કઠેચીમાં 3, રાણાગઢમાં 2, બળોલમાં 1, પરાલીમાં 1 મળી કુલ 7 આંગણવાડી મંજુર કરાઈ છે. રાણાગઢ ખાતેના કાર્યક્રમમાં રૂ. 7.33 કરોડના વિકાસના રર કામોનું ખાતમુહૂર્ત અને 55.60 લાખના 12 કામોનું લોકાર્પણ થયુ હતુ. 210 લાભાર્થીઓને આવાસ યોજનામાં ગૃહ પ્રવેશ અને 1,440 લાભાર્થીઓને આવાસ યોજનાના પ્રથમ તબક્કાની સહાય અપાઈ હતી. આ તકે જિલ્લા કલેકટર કે.સી.સંપત, ધારાસભ્ય કીરીટસીંહ રાણા, પી.કે.પરમાર, ડીડીઓ રાજેશ તન્ના, નાયબ ડીડીઓ મિલન રાવ સહિત અધિકારીઓ, કર્મચારીઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.