સિદ્ધપુરના રાજપુરની પ્રભાત સોસાયટીમાં રહેતા એક ખેડૂત સાથે જમીન વેચાણના બહાને એક વ્યક્તિએ 67 હજાર રૂપિયાની ઠગાઈનો ખેલ આચરતાં ખેડૂતે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સિદ્ધપુર તાલુકાના રાજપુરની પ્રભાત સોસાયટીમાં રહેતા અને ખેતીકામ કરતા મહેન્દ્રભાઈ રણછોડભાઈ પટેલે સિદ્ધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા મુજબ તેઓની થોડાક સમય અગાઉ પ્રદિપસિંહ ચંદનસિંહ પરમાર રહે. મોટા, તા. ડીસા, જિ. બનાસકાંઠાવાળા સાથે થઈ હતી જેઓ જમીન લે-વેચનો ધંધો કરતા હોવાનું કહેતાં મહેન્દ્રભાઈ પટેલે તેઓની ગણેશપુરા ગામમાં આવેલી જમીન વેચવાની ઈચ્છા દર્શાવતાં વાત આગળ વધી હતી. પ્રદિપસિંહ પરમારે કહ્યું હતું કે તેઓ જ્યાં નોકરી કરે છે તે નવીનભાઈ નામનો વ્યક્તિ જમીન ખરીદવા માગે છે અને એગ્રીમેન્ટ કરવા માટે પૈસા આપવા પાડશે તેમ કહેતાં એક બાદ એક કરી કુલ 92,300 રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા હતા. પૈસા આપવા છતાં એગ્રીમેન્ટ કરવાને બદલે નવીનભાઈ નામના શખ્સે ગલ્લાંતલ્લાં કરતાં મહેન્દ્રભાઈએ પ્રદિપસિંહને વાત કરતાં પ્રદિપસિંહે 25300 રૂપિયા પરત આપી દીધા હતા. પરંતું નવીનભાઈએ પૈસા પણ પરત આપ્યા નહોતા કે એગ્રીમેન્ટ પણ કરી આપ્યુ ના હોવાથી આખરે મહેન્દ્રભાઈ પટેલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં સિદ્ધપુર પોલીસે નવીનભાઈ નામના શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.