- સંતરામપુરમાં ગૃહરાજ્ય મંત્રીની હાજરીમાં આદિવાસી દિવસની ઉજવણી
- માનગઢ હત્યાકાંડના શહીદોને શ્રાદ્ધાંજલિ આપતા ગોવિંદ ગુરુને નમન કર્યા
- સંતરામપુર ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું સ્વાગત કરાયુ હતું
વિશ્વભરમાં ભારત અને ગુજરાતમાં વસવાટ કરતા મૂળનિવાસી સમુદાયોનો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, આરોગ્ય, કાયદાકીય, રાજકીય રીતે ઉત્કર્ષ થાય, તેઓ અન્યોની હરોળમાં આવે તેમજ બિન આદિવાસી સમુદાય પણ તેમને હક્ક આપવા માટે સહભાગીદાર બને તે હેતુથી દેશભરમાં દર વર્ષે 9 ઓગષ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ઉપલક્ષમાં જિલ્લા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી મહીસાગર જિલ્લાના સંતરામપુર આઝાદ મેદાન ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ માનગઢ હત્યાકાંડના શહીદોને શ્રાધ્ધાંજલી આપતા માનગઢ ક્રાંતિના મહાનાયક ગોવિંદ ગુરૂને નત મસ્તક વંદન કરી વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, અંબાજીથી ડાંગ સુધી વન બંધુ કલ્યાણ યોજના, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, સમરસ છાત્રાલય, આદિવાસી વિસ્તારમાં મેડીકલ કોલેજો, ગુણવત્તાયુક્ત શિક્ષણ, પ્રધાનમંત્રી આવાસ યોજનાઓનો અમલ કરી આદિવાસી સમાજ વધુ સંગઠીત બને, વધુ ઉન્નતી પામે તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌનો સાથ સૌનો વિકાસના સિધ્ધાંત સાથે સર્વાંગી વિકાસ પામે તેવા રાજ્ય સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. વધુમાં તેમણે વ્યસન મુક્ત બની સંગઠીત થઇ સમાજના કુરીવાજોને દુર કરી સાચા અર્થમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાની સમાજને અપીલ કરી હતી.
પ્રકૃતિનું અને જળ-જંગલનું રક્ષણ કરતા તથા જૂની પરંપરાને સાચવી રાખવાની કામગીરી કરતા આ આદિવાસી સમાજને વંદન કરી મંત્રી શ્રી સંઘવીએ કહ્યુ કે, દેશની સરહદની સુરક્ષામાં આદિવાસી ભાઈઓ મોટી સંખ્યામાં સેવા આપી રહ્યા છે. આદિજાતિના પરિવારોને માળખાકીય સુવિધાઓ, માર્ગોનું બાંધકામ, શૈક્ષણિક સુવિધા, પીવાના પાણીની સવલત, આરોગ્ય સુવિધા, કૃષિ વિકાસ, જમીન વિહોણાને જમીનનું વિતરણ કરીને તેમના સમગ્રતયા વિકાસની દિશામાં મકકમ પગલાં ભરવામાં આવ્યાં છે.
મંત્રીએ જણાવ્યુ હતું કે, શહાદત થયેલા 1507 આદિવાસીઓ આજે પણ આપણા માટે દેશભકિતનું શ્રોષ્ઠ ઉદાહરણ છે.
આ પ્રસંગે વિવિધ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીપ્રશસ્તીપત્રો આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ મહાનુભાવો અને ઉપસ્થિત નાગરિકોએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોરે પ્રાસંગિત ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કલેક્ટર ભાવિન પંડયાએ સૌને આવકાર્યા હતા. આદિવાસી સમાજના માનવ મહેરામણ વચ્ચે ઉજવણી કાર્યક્રમ જે પી અસારીએ આભાર દર્શન સાથે સંપન્ન થયો.