- ગાંધીધામમાં માહેશ્વરી હેન્ડલિંગના સંચાલકો 1.30 કરોડ હજમ કરી ગયા
- નવ ડમ્પરની ખરીદી માટે આરોપીએ બેંકમાંથી 2.98 કરોડની લોન લીધી
- બેંકના પૂર્વ મેનેજર, ક્રેડિટ મેનેજર સહિત પ લોકોનુ ભોપાળુ ખુલ્લુ પડી ગયું
શહેરના બેન્કિગ સર્કલમાં આવેલ ગાંધીધામ માર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંકમાંથી નામાકિત પેઢી માહેશ્વરી હેન્ડલિંગના સંચાલક બે ભાઈઓ તથા તેમની માતાના નામે 9 ડમ્પરની ખરીદી કરવા રૂપિયા 2.98 કરોડની લોન લીધી હતી. આરોપીએ લોનની રકમ ભરપાઈ કર્યા વીના તત્કાલીન મેનેજર તથા ક્રેડિટ મેનેજરની મદદથી એનઓસી મેળવી લીધી હતી અને ડમ્પર બારોબાર વેચી મારી બેંક સાથે રૂપિયા 1.30 કરોડની છેતરપીંડી આચરતા ભારે ચર્ચા જાગી છે.
ગાંધીધામ એ ડિવિજન પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગઈ તા.18/9/21થી આજદિન સુધી આ કારસ્તાનને અંજામ આપવામા આવ્યો હતો. શહેરમાં આવેલી અગ્રણી વેપારી પેઢી માહેશ્વરી હેન્ડલિંગના સંચાલક વંદન છગનલાલ માહેશ્વરી તથા તેનો ભાઈ ચંદન છગનલાલ માહેશ્વરી અને માતા ઈન્દિરાબેન છગનલાલ માહેશ્વરી રહે, ત્રણેય વોર્ડ 12C, મકાન નંબર 64/64, ગાંધીધામે શહેરની ગાંધીધામ માર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક લીમીટેડમાંથી 9 ડમ્પરની ખરીદી કરવા રૂપિયા 2,98,50,000ની લોન લીધી હતી. આરોપીએ લોનની અમુક રકમ ભરપાઈ કરી હતી, પરંતુ બાકિ રકમ રૂપિયા 1,30,11,847 ની ભરપાઈ કરી ન હતી.
બેંકમાં લોનની રકમ ભરપાઈ ન કરી હોવા છતાં જેતે વખતે બેંકમાં ક્રેડિટ મેનેજર તરીકે કામ કરતો રવિન્દ્ર શિશુપાલ કેલા રહે, શક્તિનગર તથા ભૂતપૂર્વ જનરલ મેનેજર સુરેશ મનસુખલાલ કુંડલીયા હાલે રહે, બીલીમોરા, નવસારીની મદદથી લોનની એનઓસી મેળવી લીધી હતી. ત્યારબાદ માહેશ્વરી હેન્ડલિંગના સંચાલકોએ ડમ્પર વેચી માર્યા હતા. આરોપીએ મોટા પાયે ભોપાળુ આચરી બેંક સાથે છેતરપીંડી આચરી હોવાની જાણ થતા બેંકના જનરલ મેનેજર અને સીઈઓ સુનિલકુમાર નંદકિશોર ગોયલે પાંચેય લોકો સામે ફોજદારી નોધાવી છે. જે અંગે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
બેંકમાંથી કોણે કોણે કેટલી લોન લીધી હતી
ગાંધીધામ એ ડિવિજન પોલીસ સૂત્રોએ જણાવ્યું હતુ કે, વર્ષ 2016માં માહેશ્વરી હેન્ડલિંગના સંચાલક વંદન છગનલાલ માહેશ્વરીએ ૩ ડમ્પર માટે 99,50,000ની લોન લીધી હતી. ચંદન છગનલાલ માહેશ્વરીએ 3 ડમ્પર માટે 99,50,000ની લોન લીધી હતી. જ્યારે ઈન્દિરાબેન છગનલાલ માહેશ્વરીએ 3 ડમ્પર માટે 99,50,000ની લોન લીધી હતી. આરોપીએ લોન લેતી વખતે જરૂરી તમામ પુરાવા આપ્યા હતા. તો વળી અમુક સંપતિઓ પણ સિક્યુરીટિ પેટે આપી હતી.
લોન એનપીએ થતા ક્રેડિટ મેનેજરે રાજીનામુ આપી દીધુ
માહેશ્વરી હેન્ડલિંગના સંચાલકોએ લોન લઈ વર્ષ 2019 સુધી સમયસર હપ્તાની ભરપાઈ કરી હતી, પરંતુ પાછળથી હપ્તા ભર્યા ન હતા. જેથી લોન એનપીએ થઈ ગઈ હતી. આ દરમિયાન બેંકના પૂર્વ ક્રેડિટ મેનેજર રવિન્દ્ર શિશુપાલ કેલાએ પણ બેંકમાંથી રાજીનામુ આપી દીધુ હતુ. જ્યારે તત્કાલીક જનરલ મેનેજર સુરેશ કુંડલીયા વયમર્યાદાના કારણે નિવૃત થઈ ગયા હતા. જેમના સ્થાને સુનિલકુમાર ગોયલ આવ્યા હતા. જેમણે લોન અંગે ગેરંટરોને નોટિસ મોકલતા ગેરેંટર દલજીતસિંહ ઈન્દ્રજીતસિંહ ચહલએ નવ ગાડીઓ વેચાઈ ગઈ હોવાનુ જણાવતા ભોપાળુ બહાર આવ્યું હતુ.
ક્રેડિટ મેનેજર, જનરલ મેનેજરના આક્ષેપ, પ્રતિ આક્ષેપ
લોન અંગે જનરલ મેનેજર સુનિલકુમાર ગોયલે તત્કાલીન જનરલ મેનેજર સુરેશ કુંડલીયાને નોટિસ મોકલતા તેમણે આ બાબતની કોઈ જાણકારી ન હોવાનો જવાબ આપ્યો હતો. જ્યારે તત્કાલીક ક્રેડિટ મેનેજર રવિન્દ્ર શિશુપાલ કેલાએ મે જે કાંઈ પણ કરેલ છે તે કુંડલીયાના કેવાથી કરેલ છે તેવો જવાબ આપ્યો હતો. તેની સાથે એક માહેશ્વરી હેન્ડલિંગનો લેટરપેડ પણ આપ્યો હતો. જે બેન્કના રેકોર્ડમાં ન હતો.