- નર્મદા ડેમમાંથી પાણી છોડાતાં પરિક્રમાનો કામચલાઉ બ્રિજ ધોવાયો
- નર્મદા કલેક્ટર કચેરી ખાતે વૈકલ્પિક વ્યવસ્થા અંગે સમૂહ મંથન કરાયું
- શહેરાવથી તિલકવાડા ઘાટ વચ્ચે કામચલાઉ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે
શહેરાવથી તિલકવાડા ઘાટ વચ્ચેનો કામચલાઉ પુલ ધોવાઈ ગયેલો નજરે પડે છે. જ્યારે કલેક્ટર જાત નિરીક્ષણ કરે છે.ઈન્દોર સ્થિત નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા રિવર બેડ પાવર હાઉસના સંચાલન માટે શિડયુલ મુજબ ગત તા. 29/04/2024ના રોજ નર્મદા ડેમ ખાતેનું રિવરબેડ પાવર હાઉસ શરૂ કરાતા 30 હજાર ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડવા અંગેનો નિર્ણય લેવાયો હતો. જેના પગલે નદીમાં પાણીની સપાટીમાં વધારો થયો હતો. હાલ ચૈત્ર માસમાં ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાં માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય, પરિક્રમાં દરમિયાન નદી પાર કરવા માટે શહેરાવ ઘાટ ખાતે બનાવેલો કાચો બ્રિજ પાણીમાં ધોવાઈને ગરકાવ થયો છે. જેને કારણે પરિક્રમા બ્રેક લાગતાં ભક્તો, સાધુ સંતોમાં ભારે નારાજગી ફેલાઇ છે. જેથી આ અંગે વૈકલ્પિક આયોજન માટે નર્મદા કલેક્ટર કચેરી ખાતે સાધુ સંતો અને અગ્રણીઓ દ્વારા સમૂહ ચિંતન-મંથન કરવામાં આવ્યું છે.
શહેરાવથી તિલકવાડા ઘાટ વચ્ચે કામચલાઉ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રાત્રે પણ ત્રણ ટર્બાઇનમાંથી 21 હજાર ક્યુસેક પાણી બહાર આવવાની સંભાવના છે. પરિક્રમા કરવા આવતા પરિક્રમાવાસીઓની સલામતી-સાવધાની માટે પરિક્રમાને રૂકાવટ કરવાની વહીવટી તંત્રને ફરજ પડતાં આ નિર્ણય લેવાથી હજારો યાત્રાળુઓના જાન બચવા પામેલ છે. આ અંગે સુચારુ આયોજન કરવા-પુનઃ ચાલુ કરવાના તંત્રના પ્રયત્ન લગાતાર ચાલુ છે.
ઉચ્ચકક્ષાએથી માર્ગદર્શન મેળવાઈ રહ્યું છે. તેના આધારે આયોજન કરવામાં આવશે. હવે માત્ર એક સપ્તાહનો જ સમય બાકી રહ્યો છે. પરિક્રમા દરમિયાન કોઈ ડિઝાસ્ટરની ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા હાલ પુરતી સલામતી કારણોસર અટકાવવામાં આવી છે. જેને લોકોએ પણ સરાહનીય ગણાવ્યો છે. જે કોઈ પરિક્રમાવાસીઓ ગઈકાલે આવી ગયા હતા, તેમને સલામત રીતે પસાર કરીને તેમની જાન બચાવવાનો સરાહનીય પ્રયાસ ઘાટ ઉપર તૈનાત કર્મીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.
હવે પછી નર્મદા નદીના પટમાં કોઈપણ અવર-જવર ન કરે તે માટેની તકેદારી લેવા માટે સંબંધિત તલાટીશ્રી અને પોલીસ કર્મીઓને ખાસ સૂચના આપવામાં આવી છે. લોકોની સલામતીને પ્રાથમિકતા આપવા આ મહત્વનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.
કલેક્ટર શ્વેતા તેવટિયા દ્વારા સાધુ સંતો, અગ્રણીઓ સાથે એક મહત્વની બેઠક પણ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવની ઉપસ્થિતિમાં આ અંગે સમીક્ષા કરી વચગાળાનો રસ્તો કાઢવા માટે વૈકલ્પિક રસ્તો શોધવા કવાયત કરાઈ છે. અગાઉ તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટ રામપુરા ઘાટ, રણછોડજી મંદિર, જુના રામપુરા, માંગરોળ, ગુવાર, શહેરાવ, સોઢલીયા-પાટી, જિઓર, રૂંઢ ચોકડી-પોઈચા, નિલકંઠ હોટલ થઈ પોઈચા બ્રિજ, દરિયાપુરા, ચાણોદ, કરનાળી, તિલકવાડા થઈ રેંગણથી વાસણ, અકતેશ્વર બ્રિજ પાર કરી હાઈવે ઉપરથી પસાર થઈ ભાણદ્રા ચોકડીથી સુરજવડ એટલે કે સમારિયા પાટીયા પાસેથી ગંભીરપુરા તરફ્ના પરિક્રમા પથ ઉપરથી પસાર થઈને પરત રામપુરા ખાતે શ્રાદ્ધાળુઓ વાહન-પગે ચાલીને પરિક્રમા કરવાનો સૂચિત પ્લાન બનાવવામાં આવ્યો છે. પરિક્રમાનો રૂટ નક્કી કરવામાં આવે તેવો મત વ્યક્ત કર્યો હતો. તેમાં લોકોએ પણ સહકાર આપી તે રસ્તા પર પરિક્રમા કરવા હાલ પુરતો અનુરોધ કરવામાં આવ્યો છે.