રાજકોટ નાગરિક સહકારી બેન્કની ચૂંટણીમાં આખરે હવે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. કુલ સરેરાશ 96.39 ટકા મતદાન થયું છે. 332માંથી 320 ડેલીગેટ્સે મતદાન કર્યું છે. રાજકોટ ઉપરાંત જસદણ, જેતપુર, અમદાવાદ, મુંબઈ સહિતના સ્થળે મતદાન કરવામાં આવ્યું છે.
ચૂંટણીમાં સહકાર પેનલ અને સંસ્કાર પેનલ વચ્ચે મોટો મુકાબલો
રાજકોટ મતદાન કેન્દ્ર પર 96.43 ટકા મતદાન થયું છે. રાજકોટ ખાતે 196 મતમાંથી 189 મત પડ્યા છે. તમને જણાવી દઈએ કે રાજકોટ નાગરિક સહકારી બેન્કની ચૂંટણીમાં સહકાર પેનલ અને સંસ્કાર પેનલ વચ્ચે મોટો મુકાબલો જોવા મળ્યો છે. સંસ્કાર અને સહકાર પેનલના ઉમેદવારોનું ભાવિ હવે મતદાન પેટીમાં કેદ થઈ ચૂક્યું છે. 3 લાખથી વધુ સભાસદોના પ્રતિનિધિઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આગામી 19 નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે, ત્યારે ખબર પડી જશે કે સહકારી બેન્કની ચૂંટણીમાં કોણ બાજી મારે છે.
સંસ્કાર પેનલના કલ્પક મણિયારે કર્યા આક્ષેપ
રાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીને લઈને આજે મતદાન ચાલી રહ્યું હતું, તે સમયે સંસ્કાર પેનલના કલ્પક મણિયારે આક્ષેપ કર્યા હતા. સહકાર પેનલ સામે કલ્પક મણિયારે આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું કે બેન્કમાં કૌભાંડ થયા છે એટલે ચૂંટણી આવી, જ્યોતીન્દ્ર મામા જાહેરમાં કહી દે કે કૌભાંડ નથી થયું, જૂનાગઢ કૌભાંડને લઈ બેન્કને ક્લીનચીટ નથી અપાઈ. RBIએ બેંકને કોઈપણ ક્લીનચીટ નથી આપી. આ સાથે જ તેમને કહ્યું કે ભાજપના જે નેતાઓ એમની સાથે, તેમને હકીકતની ખબર નથી.
મતગણતરી રાજકોટ નાગરિક સહકારી બેન્કની હેડ ઓફિસ ખાતે કરાશે
સમગ્ર મામલે ચૂંટણી અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મતદાન પ્રક્રિયા અંતર્ગત 35 વ્યક્તિઓનો પોલીસ સ્ટાફ તેમજ 21 રિઝર્વ સ્ટાફની નિમણૂક કરવામાં આવી. શનિવાર બપોર સુધીમાં મતદાન મથક પર ચૂંટણી લક્ષી તમામ સાહિત્ય પહોંચાડવામાં આવ્યું છે. ત્યારે મતગણતરી 19મી નવેમ્બરે સવારે 8:00 વાગ્યે 150 ફૂટ રીંગ રોડ પર આવેલી રાજકોટ નાગરિક સહકારી બેંકની હેડ ઓફિસ ખાતે જ કરવામાં આવશે. ત્યારે 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો માટે તેમને મતદાન મથક પર લઈ જવા તેમજ મૂકવા માટેની તમામ વ્યવસ્થાઓ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. મતદારોની સહાયતા માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો હતો.