રાધનપુર શહેરી વિસ્તારમાં આવેલ ગ્રીન પાર્ક સોસાયટીના માર્ગથી પટ્ટણી ગેટ જવાના માર્ગ પર ઘણા સમયથી ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહેવાની સમસ્યા છે.છેલ્લા ઘણા સમયથી ગટરનું ગંદુ પાણી માર્ગ પર નદીના જેમ વહી રહ્યું છે અને માર્ગની બાજુમાં આવેલ દેવીપુજક સમાજના સ્મશાન ભૂમિ તરફ્ પાણી પહોચ્યું છે.
નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફ્ળ નિવડતા છાશવારે શહેરના મહોલ્લા માર્ગોમાં દૂષિત અને અતિશય વાસ મારતું ગંદુ પાણી ભૂગર્ભ ગટર ઉભરવાની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે એક બાજુ વરસાદ બંધ થયા બાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. ત્યારે હાલમાં ઘરે ઘરે રોગચાળાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી બાજુ પાલિકા તંત્રની અણ આવડત અને બેદરકારીનો ભોગ શહેરીજનો બનતા ભૂગર્ભ ગટરના દૂષિત પાણીને લઈ શહેરીજનો પણ રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે.