- પોરબંદરમાં પણ વરસાદી આફતે લોકોને ચિંતામાં મૂક્યા છે
- ઘેડ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા લોકો પરેશાન થયા
- નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું
પોરબંદર જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. શહેરના ઘણાં વિસ્તારમાં એક માળ સુધી પાણી ભરાઈ ગયા છે. પોરબંદરનો ખડપીટ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
સંદેશ ન્યૂઝ દ્વારા પોરબંદર જિલ્લાની મુલાકાત લેતાં ઠેર-ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. છેલ્લા ત્રણ દિવસ લોકો ઘરમાં પૂરાઈને બેઠા છે. બહાર એક-એક માળ સુધી પાણી ભરાઈ ગયા છે. ઘરનો તમામ સામાન પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેને એક માળના મકાન હોય તેમણે ચાલુ વરસાદે ધાબા પર રહેવાનો વારો આવ્યો છે. લોકો મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ બચાવ કાર્ય કે રાહત કાર્ય કરવામાં આવ્યું નથી. લોકો મદદ માટે પોકાર કરી રહ્યા છે.
આટલું પાણી ભરાયેલ હોવા છતાં તંત્ર અજાણ
જિલ્લાના ખાડપીટ વિસ્તારમાં પાણી ભરાયેલા છે. લોકો જીવન જરૂરી ચીજ વસ્તુઓ લેવા માટે બહાર જઈ શકતા નથી. બહાર જવું હોય તો પાણીમાં તરીને જવું પડે તેવી સ્થિતિ આવી છે. જીવના જોખમે લોકો ઘરમાં પૂરાઈ રહ્યા છે. લોકોની તાત્કાલિક સહાય પહોંચે તેવી માગ કરવામાં આવી છે.