ગુજરાતમાં ચોમાસાના વિદાયની અંતિમ પળો છે. જોકે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે જ મધ્ય અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન સર્જાયું હોવાનું પણ કેન્દ્રિય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહીને પગલે હાલ અરબી સમુદ્રમાં વાતાવરણમાં પલટો આવતા પોરબંદરના બંદર પર એક નંબરનું સિગ્નલ યથાવત છે.
આગામી 24 કલાકમાં નબળું પડીને લો પ્રેશરમાં પરિવર્તિત થઇ શકે છે. આ ડિપ્રેશન ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ગુજરાતને હાલ પુરતો કોઇ ખતરો નથી. જોકે દરિયામાં ભારે પવન અને ભારે વરસાદની શક્યતાના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. પોરબંદરના વાતાવરણમાં પલટો આવતા GMB દ્વારા એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા માછીમારોને સાવચેત રહેવા અપીલ કરાઇ છે.
આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગ મુજબ, 15 ઓક્ટોબરે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું
મધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે. જે છેલ્લા 6 કલાક દરમિયાન 10 કિ.મી.ની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજે સવારે 11.30 વાગ્યાની સ્થિતિએ એ જ વિસ્તારમાં ડિપ્રેશન કેન્દ્રિત થયું છે. આ ડિપ્રેશન મસિરાહ (ઓમાન)થી લગભગ 750 કિમી દક્ષિણપૂર્વમાં, સલાલાહ (ઓમાન) થી 1060 કિમી પૂર્વમાં અને અલ ગૈદાહ (યમન)થી 1270 કિમી પૂર્વમાં છે. આગામી 24 કલાકમાં આ ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ ઓમાનના દરિયાકાંઠા તરફ આગળ વધી શકે છે અને નબળું પડીને લો પ્રેશરમાં પરિવર્તિત થવાની શક્યતા છે.