- પેટ્રોલ ભરાવીને છુટ્ટા પૈસા મુદે બોલાચાલી થતા 7 શખ્સો ઉશ્કેરાઈ ગયા
- આરોપીએ પીઓએસ મશીનમાં નુકશાની પહોચાડી લોખંડનો ઘોડો ફગાવી દીધો
- ગાંધીધામ એ ડિવિજન પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી
શહેરના રોટરી સર્કલ પાસે આવેલા ઈન્ડિયન ઓઈલ કોકો પેટ્રોલપંપ પર રાત્રિના અરસામાં કેરબામાં પેટ્રોલ ભરાવીને બે શખ્સોએ છુટ્ટા પૈસા બાબતે બોલાચાલી કરી હતી. પાછળથી બે શખ્સો અન્ય પાંચ ઈસમો સાથે પેટ્રોલપંપ પર ધસી ગયા હતા અને કેશિયર સહિત 3 લોકોને પટ્ટા વડે માર મારી મશીન તેમજ ઘોડામાં તોડફોડ કરતા ગુનો નોધાવા પામ્યો છે.
ગાંધીધામ એ ડિવિજન પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત રવિવારના રાત્રિના સાડા દસેક વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. શહેરના ભારતનગર રહેતા અને રોટરી સર્કલ પાસે ઈન્ડિયન ઓઈલ કોકો પેટ્રોલપંપ પર કેશિયર તરીકે નોકરી કરતા વિષ્ણુ અજુ ચૌધરી ફરજ પર હાજર હતા. ત્યારે મોટરસાયકલ પર બે શખ્સો કેરબામાં પેટ્રોલ પુરાવા ગયા હતા. પેટ્રોલ ભરી આપ્યા બાદ અમુક નોટો તુટેલી હોવાથી કેશિયરે બીજી નોટ આપવા કહ્યું હતુ. જેથી બન્ને શખ્સોએ બોલાચાલી કરી ગાળો આપી હતી. ત્યારબાદ તેઓ પલાયન થઈ ગયા હતા.
થોડા સમય બાદ બે શખ્સો અન્ય પાંચ ઈસમો સાથે પેટ્રોલપંપ પર ધસી ગયા હતા. આરોપીએ કેશિયર વિષ્ણુભાઈને પટ્ટાથી માર માર્યો હતો અને ઓફિસમાં રહેલ લોખંડનો ઘોડો ફગાવી દઈ રૂપિયા 10 હજારના આઈસીઆઈસીઆઈ બેંકના પીઓએસ મશીનમાં તોડફોડ કરી હતી. વિષ્ણુભાઈએ રાડારાડ કરતા રમેશ જોષી અને હેમરાજ વચ્ચે પડયા હતા, પરંતુ આરોપીએ તેમને પણ પટ્ટાથી માર માર્યો હતો. જતા જતા આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના બાદ સાત શખ્સો પૈકી હાજી અબ્દુલ સુમરા અવાર નવાર પેટ્રોલ ભરાવા આવતો હોઈ વિષ્ણુભાઈએ તેને ઓળખી લીધો હતો. જે અંગે પોલીસે તમામ ઈસમો સામે રાયોટીંગ સહિતની કલમો તળે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.