- યુવતીના પરિવારજનો પોતાની યુવતીને શોધી આપવા માટે દબાણ કરતા હતા
- ઘાસના પૂળા લઇ તેને દિવાસળીથી સળગાવી યુવક ઘર સળગાવી દીધું
- ગામના લોકો દ્વારા પાણીની મોટરો ચાલુ કરી પાણી છાંટીને આગ બુઝાવી
કાલોલ તાલુકાના કરોલી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ પગીની મુવાડી ગામના અર્જુનસિંહ સોમસિંહ સોલંકીનો છોકરો સંજય સોલંકીનો ઘોઘંબા પંથકના એક ગામની યુવતી સાથે પ્રેમ-સંબંધ હોય પાછલા દિવસોમાં બંને પ્રેમી પંખીડા ભાગી જતાં યુવતીના પરિવારજનો સંજયના ઘેર આવીને પોતાની યુવતીને શોધી આપવા માટે દબાણ કરતા હતા. જે મધ્યે ગત 24/03ને રવિવારે સવારે યુવતીના પરિવારજનોએ સંજયના ઘેર આવીને તેમની છોકરી શોધી લાવવા જણાવ્યું હતું. ત્યારે સંજયના પિતાએ યુવતીને શોધીને પરત લાવી આપવાનું પણ કહ્યું હતું
જેથી એ સમયે હોળીનો તહેવાર હોય બધા મોટરસાયકલો લઈને જતા રહ્યા હતા, પરંતુ એ રવિવારે સાંજે જ્યારે હોળીનો તહેવારની ઉજવણી મુજબ ગામના ઝાંપે હોળી પ્રગટાવતા ફ્ળિયાના બધા માણસો હોળી ફરવા ગયેલા ત્યારે ફરિયાદી મહિલા એકલી પોતાના ઘરે હતી તે સમયે આઠેક વાગ્યાના સુમારે બે મોટર સાઇકલો લઈને આવેલા યુવતીના પિતા સહિત ચાર લોકોએ યુવતીને ભગાડી જનારા સંજયના ઘેર આવીને ચારેય જણાએ એકદમ ગુસ્સામાં આવીને સંજયના ઘરની બાજુમાં પડેલ ઘાસના પૂળા લઇ તેને દિવાસળીથી સળગાવી સંજયના ઘરની ઉપર નાખી ચારેય જણાઓએ સંજયનું ઘર સળગાવેલું અને થોડીવારમાં આખું ઘર સળગવા લાગેલ જેથી બૂમા બૂમ કરતાં સંજયના પિતા આવી જતાં ઘર સળગાવા આવેલા ઈસમોએ અમારી છોકરી આપી દો નહી તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપીને ચારેય જણા તેમની મોટર સાયકલો લઈને ભાગી ગયા હતા. જે પછી ગામ લોકો આવી જતાં પાણીની મોટરો ચાલુ કરી પાણી છાંટીને આગ બુઝાવી હતી.
આ આગની ઘટનામાં સંજય સોલંકીના ઘરમાં રાખેલ ઘર વખરીનો સામાન, ઘાસના પૂળા તેમજ ઘરમાં રાખેલા દસ હજારની રોકડ સહિત અંદાજીત રૂપિયા 50,000નું નુકસાન પહોંચાડયું હતું. આ અંગે વેજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘર સળગાવી દેતા યુવતીના પિતા ગણપતભાઈ બીજલભાઈ પટેલ, નાનાભાઈ બીજલભાઈ પટેલ, કાળુભાઇ ફ્તાભાઈ પટેલ અને અલ્પેશભાઈ અર્જુનભાઈ પટેલ (ચારેય રહે. નિકોલા, તા. ઘોઘંબા) વિરુદ્ધ ગુનો નોધ્યો છે.