- ગાંધીધામમાં વરસાદી નાળા પર પાકી દુકાનો, ઓટલા ખડકી દેવાયા
- ભારતનગરથી સુંદરપુરી પાણીના ટાંકા સુધી 30 દબાણકારોને નોટિસ
- નાળા પર બિન અધિકૃત બાંધકામો ખડકાતા ભારતનગરમાં પાણી ભરાયા હતા
ગાંધીધામ શહેરના ભારતનગરથી સુંદરપુરી પાણીના ટાંકા સુધીના રોડ પાસે વરસાદી પાણીના નિકાલ માટે વર્ષો પહેલા નાળુ બનાવામા આવ્યું હતુ. પાછળથી આ નાળા પર કાચા પાકા બાંધકામો ખડકી દબાણ કરી દેવામા આવ્યું હતુ. જેથી આજે નગરપાલિકાની દબાણ શાખાની ટીમ વિસ્તારમાં દોડી ગઈ હતી અને 30 દબાણકારોને નોટિસ ફટકારી હતી તેમજ 7 દિવસમાં બાંધકામ દૂર કરવા સુચના આપવામા આવી હતી.
ગાંધીધામ નગરપાલિકાના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ શહેરના ભારતનગરથી સુંદરપુરી પાણીના ટાંકા સુધીના રોડની સાઈડમાં વરસાદી નાળુ બનાવામા આવ્યું હતુ. સમયાંતરે નાળાની જાળવણી ન રખાતા તેના ઉપર પાકી દુકાનો, ઓટલા, સીડી બનાવી દેવાઈ હતી. જેને પગલે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઉભો થયો છે. ત્યારે નાળા પર બિન અધિકૃત બાંધકામો ખડકી દેવાતા તાજેતરમાં પડેલા વરસાદને પગલે ભારતનગરમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ હતી. જેને પગલે નગરપાલિકા હરકતમાં આવી ગઈ છે.
નગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજે ભારતનગરથી સુંદરપુરી પાંણીના ટાંકા સુધીના વરસાદી નાળા પર ખડકી દેવાયેલા પાકા દબાણોને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. વિસ્તારમાં 30 દબાણકારોને નોટિસ ફટકારવામાં આવી હતી અને આગામી સાત દિવસમાં બાંધકામ દૂર કરવા સુચના આપવામા આવી છે તેમ છતાં બાંધકામ દૂર નહિં કરવામાં આવે તો સુધરાઈનું બુલડોઝર ફેરવી દેવાની સુચના આપવામાં આવી હતી.