https://www.youtube.com/watch?v=oyu_pnpoiDI
- દરિયામાંથી રૂ. 300 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું
- ડ્રગ્સનો જથ્થો 40 કિલોગ્રામ હોવાનો અંદાજ
- આરોપીઓ ઓખા બંદરથી ડ્રગ્સની ઘુસણખોરી કરી રહ્યા હતા
ફરી એક વખત કોસ્ટ ગાર્ડ અને ATS દ્વારા ગુજરાતના દરિયામાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિત્રી મુજબ ગુજરાતના દરિયામાંથી કોસ્ટ ગાર્ડ અને ATSએ 300 કરોડની કિંમતનો અંદાજે 40 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે જ 10 પાકિસ્તાની માછીમારોની ધરપકડ પણ કરવામાં આવી છે. તપાસ કર્મીઓને આશંકા છે એક આરોપીઓ ગુજરાતના ઓખા બંદરથી ડ્રગ્સની ઘુસણખોરી કરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
બોટ પરના ઈસમો પાકિસ્તાની નાગરીકો હોવાનો ખુલાસો
મળતી માહિતી મુજબ આજરોજ ગુજરાતના દરિયામાં ઘુસણખોરી જેવી દેશવિરોધી પ્રવૃત્તિઓને અટકાવવા માટે ATS અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન દરિયામાં એક અજાણી બોટ મળી આવી હતી. આ બોટ ભારતીય ન હોવાનું જાણ થતા ATS અને કોસ્ટ ગાર્ડે સતર્કતા વાપરી બોટને ઝડપી પાડી હતી. આ બોટ ઉપર તપાસ કરવામાં આવતા તપાસ કર્મીઓને 300 કરોડની કિંમતનો અંદાજે 40 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત બોટ પરના ખલાસીઓ અને ઇસમો પાકિસ્તાની નાગરિક હોવાનું સામે આવ્યું હતું. આથી તપાસ કર્મીઓ દ્વારા 10 જેટલા પાકિસ્તાની માછીમારોની ધરપકડ પણ કરવામાં આવી છે.
પાકિસ્તાનીઓ પાસેથી બંદુક, જીવતા કારતુસો અને દારૂગોળો મળ્યા
અત્રે ઉલેખનીય છે કે બોટ પરથી ધરપકડ કરાયેલા પાકિસ્તાની માછીમારો પાસેથી તપાસ કર્મીઓને હથીયારો પણ મળી આવ્યા છે. તેમની બંદુક, જીવતા કારતુસો અને દારૂગોળો પણ મળી આવ્યા હતા. પાકિસ્તાનીઓ પાસેથી આ પ્રકારના હથીયારો અને દારૂગોળો મળી આવતા શું તેઓ ગુજરાતમાં ઘુસણખોરી કરીને કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનો ઈરાદો ધરાવતા હતા કે નહિ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.