માલપુરમાં એક વેપારી ઉપર બે બુટલેગરોએ વેપારી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને બુધવારે તમા વેપારીઓએ સજ્જડ બંધ પાડી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.દરમ્યાન વેપારી ઉપર હુમલો કરનાર આરોપીઓને ઝડપી લેવા જુદી-જુદી ટીમો બનાવી હતી અને મહિસાગર જિલ્લાના વિરપુરમાંથી બંને આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા.
કાયદો અને વ્યવસ્થાને પડકારી માલપુરમાં બે બુટલેગરોએ ધોળા દિવસે એક વેપારી ઉપર હુમલો કર્યો હતો. માર્કેટયાર્ડમાં પશુઆહારની દુકાન ધરાવતા દિનેશભાઈ મુળજીભાઈ પટેલની દુકાનના શેડ ઉપર પાણી નાખી રહેલા દિનેશ ઉર્ફે બુચ્ચો બાબુભાઈ પગીને ઠપકો કરવા જેવી સામાન્ય વાતમાં લોખંડના સળિયા વડે વેપારી અને બચાવવા વચ્ચે પડેલા અન્ય બે વેપારીઓને માર મારવામાં આવ્યો હતો. ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ઉર્ફે રોકી સોમાભાઈ પગીએ પણ વેપારીને માર માર્યો હતો. વેપારી ઉપર હુમલાની આ ઘટનાને પગલે માલપુરમાં તંગદીલી છવાઈ હતી અને બુટલેગરોના ત્રાસ સામે જન આક્રોશ ભભૂકી ઉઠયો હતો. જેના પગલે બુધવારે માલપુર સજ્જડ બંધ રહ્યુ હતું. મોટી સંખ્યામાં વેપારીઓએ એકઠા થઈ હુમલો કરનાર શખ્સોને તાકીદે ઝડપી લેવામાં આવે તેવી પોલીસ સમક્ષ માંગ ઉઠાવી હતી.
બુટલેગરો સામેનો વિરોધ જોઈ પોલીસ પણ સમસમી ઉઠી હતી. દરમ્યાન આરોપીઓને ઝડપી લેવા જુદી-જુદી ટીમો બનાવવામાં આવી હતી અને જુદી-જુદી દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન આરોપીઓ હુમલો કરી મહિસાગર જિલ્લાના વિરપુર મુકામે હોવાની પોલીસને બાતમી મળી હતી.