મોરબી શહેરના સનાળા રોડ પરની સત્યમ લાઈટ માઈક્રો ફાયનાન્સ નામની પેઢીમાં 15 નવેમ્બરે રાતે મોઢે રૂમાલ અને ટોપી પહેરી તસ્કરો ત્રાટક્યા હતા અને ઓફિસના શટરના તાળા તોડી અંદરની ચાવીની મદદથી રૂપિયા 7 લાખની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી આરોપીને ઝડપ્યા
આ બનાવમાં મેનેજરે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એ ડીવીઝન પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા તપાસ શરુ કરી હતી અને ફાયનાન્સ ઓફિસના સીસીટીવી કેમેરા અને શહેરના અલગ અલગ વિસ્તારમાં નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાની તપાસ કરતા એક બાઈકમાં બે શખ્સ મોઢે રૂમાલ બાંધી આવતા નજરે પડ્યા હતા. બીજી તરફ તસ્કરોએ ચાવીથી રૂપિયા કાઢતા ચોરી કરનાર જાણ ભેદુ હોવાની આશંકા ગઈ હતી.
આરોપીઓ પાસેથી અલગ અલગ 5 ચાવીઓ અને રોકડ રકમ મળી આવી
જેથી પોલીસ દ્વારા શહેરના સીસીટીવી ફૂટેજ તપાસ કરતા બાઈકની ઓળખ મેળવી હતી અને હ્યુમન ઈન્ટેલીજન્સની મદદથી શંકાસ્પદ નવલખી રોડ પરથી મોરબી તરફ આવતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલસીબીની ટીમે રેલ્વે સ્ટેશન પાસેથી બાતમી વાળા બાઈકને અટકાવી તેના નામ પૂછતા એકનું નામ મયુર ઈશ્વર કોતવાલ અને બીજાનું નામ વરુણ મનસુખ ડોડીયા જણાવ્યુ હતું. બંને વ્યક્તિની તપાસ કરતા તેના ખિસ્સામાંથી મોબાઈલ અને અલગ અલગ 5 ચાવીઓ અને રોકડ રકમ મળી આવી હતી.
પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ કર્યો જપ્ત
પોલીસે આ બાબતે પૂછપરછ કરતા ગોળ ગોળ વાતો કરતા પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરતા જય ઉર્ફે શનિ પ્રવીણભાઈ સોલંકી અને અભિષેક કિશોર દેવ મુરારી દ્વારા ચાવી આપવામાં આવી હતી અને તેઓએ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 7 લાખ રોકડા બાઈક અને ચાર મોબાઈલ જપ્ત કરી લીધા છે. પોલીસે આ બંને શખ્સની પૂછપરછના આધારે ફાયનાન્સ કંપનીના કર્મચારી જય ઉર્ફે શનિ પ્રવીણભાઈ સોલંકી અને અભિષેક કિશોર દેવ મુરારીની પણ ધરપકડ કરી છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.