- ધોળકામાં તસ્કરોનો તરખાટ યથાવત્ : પખવાડિયામાં 8થી વધુ ઘરફોડ
- ધોળકા શહેરમાં તસ્કરોની રંજાડ દિનપ્રતિદિન વધતી જઈ રહી છે
- પોલીસનું પેટ્રોલિંગ કાગળ પર! : ઘરમાંથી ચાંદીના સિક્કા સહિતની મતા ચોરાઈ
ધોળકા શહેરમાં તસ્કરોની રંજાડ દિનપ્રતિદિન વધતી જઈ રહી છે. શહેરમાં છેલ્લાં પંદર દિવસમાં આઠથી વધુ ઘરફેડ ચોરીના બનાવ બન્યા છે. એથી સ્થાનિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક પોલીસની કામગીરી નબળી પડતી જાય છે. તસ્કરો સ્થાનિક પોલીસના ધજાગરા ઉડાવી રહ્યા છે.
ધોળકા ખાતે ધોળકા સરખેજ રોડ પર આવેલી ગાયત્રીનગર સોસાયટીના એક મકાનમાં ગત તા. 14મી માર્ચે બપોરના સમયગાળામાં કોઈ અજાણ્યા તસ્કરે મકાનમાં ઘુસી એક લાખ રૂપિયાની રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 3.43 લાખના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટયો હતો. ત્યારે એજ સોસાયટીના એના એજ મકાનમાં મંગળવારે તા. 19મી માર્ચે ધોળા દિવસે બપોરના સમયે ફરીથી તસ્કરો હાથફેરો કરી જતા સોસાયટીના રહીશોમાં ફફડાટની લાગણી વ્યાપી છે. મકાનને ચારથી વધુ તાળા માર્યા હોવા છતાં તસ્કરો તાળા તોડી ચાંદીના સિક્કા સહિતનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ધોળકા શહેરમાં તસ્કરો ધોળા દિવસે પોલીસની આબરૂના ધજાગરા ઉડાવી રહ્યા છે. આ બનાવ ની જાણ થતાં ધોળકા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ બનાવ અંગે ધોળકા ટાઉન પોલીસે અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ઘટનાસ્થળે લોકોના ટોળા પણ ઉમટી પડયા હતા.