ઉત્તર ગુજરાત સહિત સમગ્ર દેશમાં શેર બજારના ડબ્બા ટ્રેડિંગનું નેટવર્ક ચલાવનાર મુખ્ય સૂત્રધાર સેંધાજી ઠાકોર મહેસાણા LCBની ટીમના હાથે લાગ્યો હતો. છેલ્લા ઘણા સમયથી LCBની ટીમ જેને શોધી રહી તે સેંધાને પેટમાં પથરીના દુખાવાની બીમારીએ સારવાર લેવા જતા પોલીસને હાથ લાગ્યો હતો.
ત્યારે પોલીસે એક નહીં પરંતુ અનેક એવા ગંભીર ગુનામાં તે વોન્ટેડ હોઈ તેની ધરપકડ કરી લીધી હતી. તો બીજીતરફ મહેસાણા LCBએ ઝડપી પાડેલ સેંધા ઠાકોરની ના માત્ર શેર બજાર પરંતુ તેના ગુનાહિત ઇતિહાસમાં વિસનગર ખાતે હત્યાની કોશિષ અને ખેરાલુ વડનગરમાં છેતરપિંડી જેવા અનેક ગુનાઓમાં સંડોવણી હોવાનું મહેસાણા પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
સેંધાના 12 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ તેનું આખું નેટવર્ક ખંખોળશે
મહેસાણા પોલીએ શેર બજારના ડબ્બા ટ્રેડિંગમાં ધરપકડ કરેલ સેંધા જેસંગજી ઠાકોર રહે. કંકુપુરા, ગોઠવા, તા. વિસનગર વાળને કોર્ટમાં રજૂ કરી તપાસના કામે ગુનાની ગંભીરતા પર રિમાન્ડની માંગણી કરાઈ હતી. જે મામલે વડનગર કોર્ટે મુખ્ય સૂત્રધ્ધાર એવા સેંધા ઠાકોરના 12 દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કરી તેને પોલીસ હવાલે કર્યો હતો. રિમાન્ડ દરમિયાન મહેસાણા પોલીસ સેંધા ઠાકોરના આખાય નેટવર્કને ખાંખોળી કરોડોના નાણાં સહિત અન્ય શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરશે.
માત્ર 3 વર્ષની ટ્રેનિંગ લઈ ડબ્બા ટ્રેડિંગનો બેતાબ બાદશાહ બન્યો હતો
LCBના હાથે ઝડપાયેલા સેંધો માત્ર 3 વર્ષની ટ્રેનિંગ લઈ શેર બજારના ડબ્બા ટ્રેડિંગનો બેતાબ બાદશાહ બન્યો હતો. જેમાં તેને વિસનગર ખાતેના દલાલ સ્ટોકમાં હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસારને ત્યાં વર્ષ 2017માં કોલર તરીકે કામ કરી 2020 સુધી 3 વર્ષમાં ગ્રાહકોને કેવી રીતે લૂંટવા અને ડબ્બા ભરાવવા તેની આવડત મેળવી હતી. જ્યારે તેને આ ફાવટ આવી જતા પોતે ડબ્બા ટ્રેડિંગનો કિંગ બની ખૂબ મોટું નેટવર્ક અને પોતાના સમાજના અને અન્ય સગીર તેમજ યુવાનોને આ કામમાં લગાવી કરોડો રૂપિયાની ઠગાઈના કાંડ કર્યા છે.
મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના વિવિધ સેન્ટરો અને ગામોમાં પોતાનું ડબ્બા ટ્રેડિંગનું નેટવર્ક ઉભું કરી દેશ વિદેશના ગ્રાહકોને શેર બજારમાં ઇન્વેસ્ટ કરી વધુ કમાણી કરાવી આપવાની લાલચે રોકાણ કરાવી કમિશન પેટના લાખ્ખો કરોડો રૂપિયા સેરવી લેવામાં આવતા હતા. આ કરોડોના ગોરખ ધંધામાં કોઈ જ પ્રકારનું લાયસન્સ કે સરકારની મંજૂરી ન લઈ ભારતીય અર્થ તંત્રને કરોડો રૂપિયાનું નુકસાન એક માત્ર સેંધા ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે સેંધા ઠાકોરની ધરપકડથી ઉત્તર ગુજરાતમાં ચાલતા શેર બજારના ડબ્બા ટ્રેડિંગ સાથે જોડાયેલા ઠગબજોમાં ભારે સાથે ફ્ફ્ડાટ મચી જવા પામ્યો છે.
સગીર-યુવાનોને લાલચ આપી પેનથી લઈ પ્લેન સુધીની ફેસિલિટી અપાતી
સેંધા ઠાકોરે પોતાના શેર બજારના મોટા નેટવર્કને ચલાવવા ખાસ કરીને સગીર અને યુવાનોને ટાર્ગેટ કરી તેમને વધુ પગાર અને કમિશન આપવાની લાલચ આપી. કોલર તરીકે કે ઉપયોગ કરી તેમને ખોટા બેન્ક એકાઉન્ટ્સ, ગ્રાહકોના નમ્બર, ડમી સીમકાર્ડ, વાહનો, પ્રવાસ, ફોન, લેપટોપ, મકાન, ઓફીસ, અને રોકડ રકમ સહિતની સેવા પૂરી પાડતો હતો.
પિન્ટુનો વારસો લેનાર સેંધા સાથે આ ગોરખ ધંધામાં 1200 લોકોની સંડોવણી : સૂત્રો
ઉત્તર ગુજરાતમાં શેર બજારના ડબ્બા ટ્રેડિંગનું એપી સેન્ટર એટલે મહેસાણા જિલ્લાનું વિસનગર રહ્યું છે. જ્યાં દલાલ સ્ટોકના પિન્ટુ ભાવસાર બાદ તેનો ચેલો સેંધા ઠાકોર પણ આ ગોરખ ધંધામાં પાછો રહ્યો ન હતો. જેને પોતાની નીચે 1200 જેટલા લોકોને જોડીને શેર બજારમાં લોકોને રોકાણ કરાવવાના નામે આંતરરાજ્ય ઠગાઈ આચરી કરોડો રૂપિયા સેરવી લીધા છે જેમાં સૂત્રોના અંદાજ મુજબ 500 કરોડ ઉપરનો તેનો આ વેપાર રહ્યો છે. જોકે તે અંગેની પુરી હકીકત તો તપાસ બાદ જ સ્પષ્ટ થશે.