- યાર્ડમાં કેસર કેરીની સીઝનની પ્રથમ આવક
- યાર્ડમાં કેસર કેરીના 190 બોક્સની આવક
- બોકસના ભાવ રૂ. 1700થી 2100 સુધીના બોલાયા
ઉનાળાની શરૂઆત આ વખતે વહેલી થઈ છે અને સાથે જ ગરમીએ પણ પોતાનું રૌદ્ર રૂપ શરૂઆતમાં જ દેખાડી દીધું હતું. આ સાથે જ આ વર્ષે અનેક વર્ષો બાદ હોળીના દિવસે મેઘરાજાએ જે ધમધમાટી બોલાવી તેનાથી લોકોએ કેરીને લઈને પોતાનો મૂડ નક્કી કરી લીધો હતો. લોકોને લાગતું હતું કે આ વર્ષે કેરીની મજા માણી શકાશે નહીં. પરંતુ ખેડૂતો અને વેપારીઓ આ મુદ્દે કંઈક અલગ જ કહી રહ્યા છે. તેમનું માનવું છે કે આ વર્ષે કેસર કેરીની સીઝન વહેલી શરૂ થશે અને લાંબી ચાલશે. લોકો સરળતાથી તેનો સ્વાદ માણી શકશે.
ગોંડલના માર્કેટમાં આવ્યા સીઝનની પ્રથમ કેરીના બોક્સ
સૌરાષ્ટ્રની કેરી ગુજરાત સહિત વિદેશમાં પણ પ્રખ્યાત છે. આ સમયે અહીં ગોંડલ શાકભાજી અને ફ્રૂટ માર્કેટમાં મીઠી કેસર કેરીની આવક શરૂ થઈ છે. આ વર્ષે સ્વાદરસિકો આ કેરીનો સ્વાદ સરળતાથી માણી શકશે. અહીં કેસર કેરીના 190 બોક્સ આવ્યા છે. આ વર્ષે તેનો અત્યારનો ભાવ 1700 રૂપિયાથી લઈને 2100 રૂપિયા રહેશે. આ વર્ષે કેસર કેરી ખેડૂતોને સારી કમાણી કરાવે તેવી આશા છે. હાલમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં જસાધાર, ઉના, બાબરીયા સહિતના વિસ્તાર માંથી કેસર કેરીની આવકો જોવા મળી હતી.
શું કેરીના અન્ય પાકને થશે નુકસાન?
આ વર્ષે જે રીતે ઉનાળાની સાથે સાથે કમોસમી વરસાદે માઝા મૂકી છે તે રીતે જોતાં આ વર્ષે સ્વાદરસિકોને માટે કેસર કેરીનો સ્વાદ ચાખવો મોંઘો બની શકે છે. આ સિવાયની અન્ય કેરીની આવક અને તેના ટેસ્ટને લઈને પણ લોકોમાં ચિંતાનો માહોલ છે. આ સિવાય જે કેરી આવશે તેના ભાવ શું રહેશે અને સાથે ખેડૂતોને તેનાથી ફાયદો થશે કે નહીં તે અંગે પણ મતમતાંતર જોવા મળી રહ્યા છે.