જામનગરમાં સારા વરસાદને કારણે ખેડૂતો દ્વારા મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું.ત્યારે છેલ્લા ત્રણ વર્ષ કરતા વધુ વાવેતર આ વર્ષે ખેડૂતોએ મગફળીનું વાવેતર 80 % કરતા વધારે કર્યું હતું. પરંતુ જામનગર જિલ્લામાં અતિભારે વરસાદ અને કમોસમી વરસાદ પડતા ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળીયો છીનવાઇ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.
ખેડૂતની હાલત કફોડી
હાલાર પંથકમાં ખાસ કરીને ખરીફ પાકોમાં ખેડૂતો દ્વારા અન્ય પાકો કરતા મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવતું હોય છે અને આ વર્ષે સારા વરસાદને કારણે ખેડૂતોએ હોંશભેર મગફળી અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. ખેડુતો આ પાકોમાં સારી ઉપજ મેળવી સમૃધ્ધ બને છે પરંતુ તાજેતરમાં કુદરત સામે ખેડૂતો લાચાર બની ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને હાલ પડી રહેલ વરસાદે ખેડુતોની મહેનત પર પાણી ફેરવી દેતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
મગફળીના પાકને મોટું નુકસાન
ખેડૂતો સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી રહ્યાં છે. બે વખત અતિવૃષ્ટીના કારણે ખેતીમાં ભારે નુકસાન થયું હતું ત્યારે તાજેતરમાં જીલ્લામાં ફરી હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદ પડતા હાલાર પંથકમાં જામનગર તાલુકામાં લાલપુર, કાલાવડ, ધ્રોલ, જોડિયા અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, દ્વારકા, સહિતના આસપાસના અન્ય પંથકમાં ખેડુતોને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે અને મગફળી કપાસ સહિતના પાકો ધોવાઈ જતા ખેડૂતોના મોંઢા સુધી આવેલો કોળીયો છીનવાઇ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.
તૈયાર પાક નિષ્ફળ ગયો
ગત ઓગષ્ટ મહિનામાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન સતત ત્રણ દિવસ સુધી પડેલ ભારે વરસાદને પગલે ખેડૂતોના મગફળી, કપાસ સહિતના પાકમાં નુકસાન થયું હતું અને ત્યારબાદ બચેલ પાક તૈયાર થયા બાદ સપ્ટેમ્બર મહિનામાં ફરી એક વખત અતિભારે વરસાદ થતાં ખેડુતોને બીજી વખત આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો હતો અને હાલ બે વખત નુકસાની બાદ થોડો ઘણો પાક બચ્યો હતો .તે વિણવાની તૈયારીઓ ખેડૂતો કરી રહ્યાં હતાં તે સમયે ફરી એક વખત તાજેતરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થતાં ખેડૂતોના ખેતરમાં નહી પરંતુ તેમના નસીબમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા અને બાકી બચેલો મગફળી અને કપાસ સહિતનો પાક પણ તાજેતરમાં પડેલ વરસાદમાં નષ્ટ થઈ જતા ખેડુતોની હાલત કફોડી બની છે. વરસાદને કારણે મગફળીનાં પાથરાનું ધોવાણ થયુ અને કપાસ સહિતનાં પાકને વરસાદ ને કારણે પારાવાર નુકસાન થયુ છે.