ધનસુરાના આકરુંદ ગામની સીમમાંથી સીમમાંથી ચંદનનાં ત્રણ ઝાડ ચોરાયાં હતા. આ મામલે બે અલગ-અલગ પોલીસ ફરિયાદો દાખલ થઈ હતી અને પોલીસે ચંદનનાં ઝાડ ચોરનારા આરોપીઓને ઝડપી લેવા જુદી-જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી.
દરમ્યાન બાતમીને આધારે અરવલ્લી એલસીબી ટીમે નડિયાદથી એક આરોપીને ઝડપી લીધો હતો. અન્ય ચાર આરોપીઓના નામ પણ ખુલતાં પોલીસે બાકીના આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. આકરુંદ ગામની સીમમાં આવેલ સર્વે નં.694 વાળા ખેતરમાંથી પાંચ મહિના અગાઉ તસ્કરો ચંદનના ઝાડ કાપી ગયા હતા. આ જ રીતે કનુભારથી કાન્તીભારથી ગોસ્વામીના ખેતરમાં સેઢા ઉપર કુદરતી રીતે ઉગેલ ચંદનના ઝાડ પૈકી કુલ ત્રણ ઝાડ તસ્કરો કાપી ગયા હતા. આ મામલે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ઈન્ડિયન ફોરેસ્ટ એક્ટ તથા સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારાની કલમ હેઠળ અલગ-અલગ બે ગુના નોંધાયા હતા.
જિલ્લામાંથી ચંદનના ઝાડની ચોરી થતાં સ્થાનિક પોલીસ ઉપરાંત અરવલ્લી એલસીબીએ આ કેસની તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પોલીસે સ્થળ તપાસ કરી હતી અને આજુબાજુના વિસ્તારના સીસીટીવીના ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. બીજી તરફ ટેકનીકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારો મારફતે એલસીબી ટીમે તપાસ શરૂ કરી હતી. દરમ્યાન એલસીબીને બાતમી મળી હતી કે,નડિયાદ તાલુકાના સુરાસામળ ગામના જનક ગોવિંદભાઈ ઝાલ તથા અન્ય સાગરીતોએ મળી ચંદનના ઝાડની ચોરીને અંજામ આપ્યો હતો.
આ બાતમીને આધારે એલસીબી પીઆઈ એચ.પી.ગરાસીયા અને ટીમ નડિયાદ દોડી પહોંચી હતી અને જનક ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સની પુછપરછમાં સુરાસામળ ગામના રમેશ બાબુભાઈ બોડાણા,પ્રવિણ ચંદુભાઈ ઝાલા,સતીષ માલજીભાઈ ઝાલા અને હિંમતનગર તાલુકાના રણાસણ નજીકના લાલપુર ગામના સંગ્રામ વિક્રમભાઈ ડાભી સાથે મળી ચંદનના ઝાડની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે ઝડપી લેવાયેલ આરોપીની વધુ પુછપરછ હાથ ધરી બાકીના ચાર આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. બીજી તરફ આ શખ્સોએ ચંદનનાં ઝાડ કાપી ક્યાં વેચ્યાં ? અન્ય કેટલી જગ્યાએથી ચંદનના ઝાડની ચોરી કરી છે ? સહિતની વિગતો મેળવવા માટે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.