નડિઆદ એ.સી.બી. દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવી. હોમગાર્ડ મનીષભાઈ ઝાલા અને હોમગાર્ડ નરેન્દ્રભાઈ ઝાલા લાંચ લેતા ઝડપાયા. નોકરીની ફાળવણી અને નિયમિત ફરજો સોંપવા માટે લાંચ માંગી હતી. મહિનાના ₹500 એમ 4 મહિનાના ₹2000 ની લાંચ માંગી હતી.
ફરીયાદી દ્વારા આજીજી અને વિનંતિ બાદ ₹1500 લાંચ પેટે આપવાના નક્કી કર્યા હતા. ફરિયાદી લાંચ આપવા ન માંગતા હોઈ ખેડા-નડિઆદ એ.સી.બી નો સંપર્ક કર્યો હતો. એ.સી.બી. એ છટકું ગોઠવી હોમગાર્ડને લાંચ લેતા રંગેહાથ ઝડપી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી.
અગાઉ સુરતના અઠવા પોલીસ મથકના પીએસઆઈ ઝડપાયા હતા
સુરતના અઠવા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇને રૂપિયા 1,00,000 ની લાંચ લેતા સુરત એસીબી દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. ફરિયાદી વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં થયેલી અરજી ન તપાસ દરમિયાન ગુનો રજીસ્ટર નહીં કરવા માટે આ લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદી દ્વારા બનાસકાંઠા એસીબીમાં આ મામલે જાણકારી આપતા સુરત એસીબીને સાથે રાખી છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. રૂપિયા એક લાખની લાંચ સ્વીકારતા ઝડપી પાડવામાં આવેલા પીએસઆઇની ધરપકડ કરી વધુ તપાસ સુરત એસીબી દ્વારા હાથ ધરવામાં આવી હતી.
પીએસઆઇ એ ધાકધમકી આપી રૂપિયા ત્રણ લાખની લાંચ માંગી હતી
નોંધનીય છે કે, આરોપીનું નામ લલિત પુરોહિત જે સુરતના અઠવા પોલીસ મથકમાં પીએસઆઇ તરીકેની ફરજ બજાવતા હતા. મૂળ બનાસકાંઠાના વતની ફરિયાદી વિરુદ્ધ એક અરજી અઠવા પોલીસ મથકમાં થઈ હતી. જે અરજીની તપાસ લલિત પુરોહિત કરી રહ્યા હતા. જોકે તટસ્થ તપાસ કરવાના બદલે પોતાનો રોટલો શેકવા માટે પીએસઆઇ દ્વારા ₹3,00,000 ની લાંચ માંગવામાં આવી હતી. બનાસકાંઠાના મૂળ ફરિયાદી વિરુદ્ધ થયેલી આ અરજીની તપાસ દરમિયાન ગુનો નહીં રજીસ્ટર કરવા પીએસઆઇ એ ધાકધમકી આપી રૂપિયા ત્રણ લાખની લાંચ માંગી હતી. જો રૂપિયા નહીં આપે તો ફરજિયાત પણે ગુનો દાખલ કરવો પડશે તેમ ફરિયાદીને ગર્ભિત ધમકી આપવામાં આવી હતી. ફરિયાદી અને પીએસઆઇ વચ્ચે આ બાબતને લઈ રક્ઝકના અંતે એક લાખ રૂપિયામાં સમાધાન થયું હતું.