નડિયાદના હેલીપેડ નજીક એક ફોર વ્હીલરે બાઈકને ટકકર મારતાં આણંદના વણસોલના યુવાનનું ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન મોત નિપજયું છે. જ્યારે મહુધા ડાકોર રોડ પર આવેલ અલીણા નજીક એક રિક્ષાચાલકે ચાલુ રિક્ષાએ પાણી પીવા જતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી.
મહામુસીબતે સ્થાનિકોએ રિક્ષા નીચેથી પેસેન્જરોને બહાર કાઢયા હતા. જેમાં ચાલક અને એક પેસેન્જરને ઈજા પહોંચવા પામી હતી. આણંદના વણસોલ તાબે હેમરાજપુરામાં રહેતા મહેશભાઈ જુવાનસિંહના પિતરાઈ ભાઈ કિરીટભાઈ ખાતરભાઈ ચૌહાણ (ઉં.વ.40) તા.9 નવેમ્બર 2024ના રોજ ભત્રીજા અંકિત (ઉં.વ.14) સાથે બાઈક લઈને તેમની સાસરી ઉંદરેલ, તા.દસક્રોઈ જવા નીકળ્યા હતા. દરમિયાન નડિયાદ હેલીપેડ ચોકડી પાર્થ પાર્ટી પ્લોટ પાસે એક ફોર વ્હીલરે તેમની બાઈકને ટકકર મારી હતી, બાદ ફોર વ્હીલર ચાલક ફરાર થઈ ગયો હતો.
આ બનાવમાં કિરીટભાઈને માથાના ભાગે, હાથે પગે ગંભીર ઈજાઓ જ્યારે અંકિતને પણ પગે ઈજા પહોંચવા પામી હતી. સ્થાનિકો દ્વારા તુરત જ 108ને કોલ કરી બંને ઈજાગ્રસ્તોને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે અન્યત્ર ખસેડાયા હતા. દરમિયાન સાંજના સુમારે વેન્ટિલેટર પર રહેલ કિરીટભાઈનું મોત નિપજયું હતું. આ મામલે મહેશભાઈની ફરિયાદના આધારે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. ઠાસરામાં રહેતા પ્રદીપભાઈ મિસ્ત્રી નવા દિવસોને લઈને તા.8 નવેમ્બરના રોજ અરેરી રહેતી ભત્રીજીને ત્યાં ચા પાણી કરવા ગયા હતા. જ્યાંથી તેઓ રિક્ષામાં પરત ઠાસરા આવી રહ્યા હતા. દરમિયાન અલીણા નજીક રિક્ષાના ચાલકે ચાલુ રીક્ષાએ પાણી પીવા જતાં સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. સ્થાનિકોએ રિક્ષા નીચેથી ઈજાગ્રસ્તોને બહાર કાઢયા હતા. જેમાં પ્રદીપભાઈને પાંસળીના ભાગે ફ્રેકચર સહિતની ઈજાઓ જ્યારે રિક્ષાચાલકને પણ ઈજાઓ પહોંચવા પામી હતી. આ બનાવ મામલે મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.