- ખેતીકામ માટે રાખેલ બળદ પાંચ વર્ષ અગાઉ ચોરાયો હતો
- બળદ પરત આવતા લગભગ 75 હજાર જેટલો ખર્ચ કર્યો
- ડીજેના તાલે બળદનો વરઘોડો કાઢ્યો
બાયડના જીતપુર ગામે પાંચ વર્ષ અગાઉ ચોરાયેલ બળદ પરત મળી આવતા ખેડૂતે બળદના વધામણાં કરવા ડીજે સાથે ગામમાં પ્રેરણાદાયી વરઘોડો કાઢ્યો છે. હાલ ઘણી જગ્યાએ માતા પિતા વૃદ્ધ થાય એટલે તેઓને વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હોવાના અનેક કિસ્સાઓ જોવા અને સાંભળવા મળતા હોય છે. ત્યારે આ બાજુ અબોલ મૂંગા પ્રાણી પ્રત્યે અપાર પ્રેમ જોવા મળ્યો છે.
ખેતીકામ માટે રાખેલ બળદ પાંચ વર્ષ અગાઉ ચેરાયેલ હતા
ખેતીકામ માટે રાખેલ બળદ પાંચ વર્ષ અગાઉ ચેરાયેલ હતા. જે મળી આવતા ગામમાં લાવી ડીજેના તાલે બળદનો વરઘોડો કાઢી આખા ગામના લોકોને પ્રસાદ વહેંચ્યો છે. બાયડ તાલુકાના જીતપુર ગામે રહેતા જયંતીભાઈ ઓડ કે જેઓ ખૂબ સામાન્ય પરિવારના છે. ફક્ત ત્રણ વિઘા ખેતીની જમીન ધરાવતા જયંતિભાઈએ સાત વર્ષ અગાઉ ખેતીકામ માટે બે બળદ ખરીદ્યા હતા. તેના દ્વારા તેઓ ખેતીકામ કરતા હતા. સામાન્ય પરિસ્થિતિના જયંતિભાઈ ગામની મધ્યમાં એક કાચા મકાનમાં રહીને જીવન વિતાવતા હતા. પાંચ વર્ષ અગાઉ આ બળદની ચોરી થઈ હતી. બળદની ચોરી અંગે અંબાલિયારા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. તેમના પત્ની અને તેમને માસણી માતા પર અતૂટ શ્રદ્ધા હતી જેથી બળદ મળી જાય તે માટે માતાજીની માનતા રાખી હતી. જયંતિભાઈ બળદને શોધવા માટે ગામે ગામ ગાડી ભાડે કરીને જતા હતા. સમય અંતરે લગભગ બે લાખ રૂપિયા જેટલો ખર્ચ બળદ શોધવા કરી નાખ્યો હતો. તે દરમિયાન તેમના પત્ની અવસાન પામ્યા, ત્યારબાદ તેઓ દ્વારકા દર્શને ગયા હતા.
બળદ પરત આવતા લગભગ 75 હજાર જેટલો ખર્ચ કર્યો
દ્વારકા દર્શનેથી વળતા રાજકોટ જિલ્લાના ભાણવડ પાસે તેઓએ તેમનો બળદ ત્યા બાંધેલો જોયો. જેથી જયંતીભાઈએ બળદ બાબતે અંબાલિયારા પોલીસને જાણ કરી અને રાજકોટ શહેરથી 180 કિમિ દૂર ભાણવડ પાસે પોલીસ સાથે રાખીને ગયા અને ત્યાંથી બળદને લઈ જયંતિભાઈ વતન જીતપુર ખાતે આવ્યા છે. જેમાં જયંતિભાઈએ અગાઉ બે લાખ જેટલો ખર્ચો બળદ શોધવા કર્યો છે. છતા પણ બળદ પ્રત્યે એક સગા દીકરા જેટલો પ્રેમ હોવાથી માનતા પુરી કરવા ગામમાં ડીજે બોલાવી ઘોડા બોલાવ્યા અને બળદને સરસ ચૂંદડી અને ફૂલોથી શણગારી ગામમાં ગામલોકો સાથે ભવ્ય વરઘોડો કાઢ્યો છે. તેમજ લગભગ 75 હજાર જેટલો ખર્ચ કર્યો હતો.