Team India : ભારતીય ક્રિકેટ ટીમના મોટા ભાગના ખેલાડી હાલ ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યા છે. ટીમના કેટલાક સ્ટાર ખેલાડી તેમની કારકિર્દીના અંતિમ ચરણમાં છે, જ્યારે નવા ખેલાડીઓ પાસે અનુભવ ઓછો છે, આવી સ્થિતિમાં ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર મુશ્કેલીમાં ફસાયા છે. કેટલાક ચાહકોના મતે ગંભીરના એક ખોટા નિર્ણયના લીધે અશ્વિને નિવૃત્તિ જાહેર કરી છે. આ વચ્ચે અટકળો ચાલી રહી છે કે 7 જાન્યુઆરી બાદ ભારતીય ટીમને નવો ટેસ્ટ કેપ્ટન પણ મળી શકે છે.
ગંભીરના લીધે અશ્વિને નિવૃત્તિ જાહેર કરી?
અશ્વિને જણાવ્યું કે તેણે પોતાની ઇચ્છા મુજબ નિવૃત્તિ જાહેર કરી છે. પરંતુ ચાહકોના મતે, વોશિંગ્ટન સુંદરને અશ્વિન કરતા વધુ મહત્ત્વ આપવાના ગંભીરના નિર્ણયને લીધે અશ્વિને નિવૃત્તિ જાહેર કરી હતી. અશ્વિનની નિવૃત્તિ બાદ ભારતીય ટીમમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી આમ માત્ર ચાર જ મોટા ખેલાડી રહી ગયા છે.
આ પણ વાંચોઃ રોહિત શર્મા બાદ કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? બુમરાહ અને પંતની સાથે આ ખેલાડી પણ રેસમાં
ગંભીરના કોચ બન્યા બાદ ભારતનું ફોર્મ બગડ્યું
નોંધનીય છે કે, ગૌતમ ગંભીરના કોચ બન્યા બાદ ટેસ્ટ ફોર્મેટમાં ભારતનું પ્રદર્શન સતત બગડતા જઇ રહ્યું છે. ગંભીરના મુખ્ય કોચ બન્યા બાદ ભારત દ્વારા રમાયેલી આઠ ટેસ્ટ મેચોમાંથી ચાર મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ત્રણ મેચમાં ભારતની જીત થઇ હતી તેમજ એક મેચ ડ્રો થઇ હતી. આવી સ્થિતમાં સૌ કોઇનું ધ્યાન ચોક્કસપણે રોહિત અને વિરાટ જેવા સિનિયર ખેલાડીઓ પર છે, જેઓ હાલમાં રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
ગંભીર સામે અનેક સવાલ ઉભા થયા
પરિવર્તનના આ સમયમાં ભારતીય ટીમ અને તેના મુખ્ય કોચ સામે અનેક સવાલો ઉભા થયા છે. જો ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાય થવામાં નિષ્ફળ જશે તો શું ગંભીર પાસેથી મુખ્ય કોચનું પદ છીનવાઇ જશે? હાલ આ અંગેનો જવાબ છે ના. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની પાંચમી ટેસ્ટ 7 જાન્યુઆરીએ પૂરી થશે. જે બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા મોટા ખેલાડીઓ સંન્યાસ લઈ શકે તેવી શક્યતા છે. આવી સ્થિતિ વચ્ચે ગંભીર જસપ્રિત બુમરાહને સંભવીત રીતે કેપ્ટન બનાવી શકે છે.