હેમંત ગામીત, તાપી: એક સમયે તાપી જિલ્લાનાં આદિવાસી ખેડૂતોની જીવાદોરી સમાન બની રહેલી વ્યારા સુગર ફેકટરી ફરી એકવાર ચર્ચાનો વિષય બનવા પામી છે. ગત સિઝનમાં ખેડૂતોને 31 હજાર ટન જેટલી શેરડીના ખેડૂતોને પુરતા નાણાં ચૂકવવામાં ન આવતા માત્ર ટન દીઠ હજુ સુધી માત્ર 400 રૂપિયા જ ચૂકવવામાં આવ્યા છે જેને લઇને ગરીબ ખેડૂતો દયનીય સ્થિતિમાં મુકાયા છે. છેલ્લાં ઘણાં વર્ષોથી રાજકારણ અને ભ્રષ્ટાચારનું પર્યાય બની ચૂકેલી તાપીની વ્યારા સુગર ફેકટરીના સંચાલકો ફરી એક વખત ખેડૂતોના બાકી લેણાં ચૂકવવામાં નિષ્ફળ રહ્યા છે.
સુગર ફેક્ટરી પર થયા અનેક સવાલો
એક તરફ વ્યારા સુગરને પુનઃ બેઠી કરવા સરકાર દ્વારા કસ્ટોડિયન કમિટી નિમિને સુગરને ચાલું કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે. સુગરને પુનઃ બેઠી કરવા રાજ્ય સરકાર 30 કરોડની ફાળવણી કરી હોવાની વાતો પણ છેલ્લાં ઘણાં સમયથી વહેતી થયેલી છે. જોકે એક તરફ વ્યારા સુગરના વહીવટ પર સતત ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થઈ રહ્યાં છે, ત્યારે ખેડૂતોને શેરડીના બાકી લેણાં ચૂકવવામા આવશે કે નહીં તેને લઈને અનેક સવાલો ઉઠવા પામ્યાં છે.
આ પણ વાંચો:
ગતિશીલ ગુજરાતના આ ગામમાં પાણી માટે વલખા, પંદર દિવસથી પાણી જ નથી આવ્યું
સંચાલકોએ હજી સુધી ખેડૂતોને નાણા નથી ચૂકવ્યા
એક સમયે આદિવાસી વિસ્તારની જીવાદોરી ગણાતી અને હજારો ઘરોમાં મીઠાશ ફેલાવતી વ્યારા સુગર ફેકટરી ફરી વિવાદોમાં આવી છે. વર્ષના 12-12 મહિના સુધી ખુબ જ શ્રમ કરી પરસેવો વહેવડાવી પોતાનો શેરડીનો પાક વ્યારા સુગર ફેક્ટરીને આપતા ખેડૂતોના નાણા ચાઉં કરી જતા સંચાલકો દ્વારા 31 હજાર ટન શેરડી અન્ય જગ્યાએ વેચી રોકડી કરી લેવાયું હોવાનો હાલમાં પણ ગંભીર આક્ષેપ થતા તાપી જીલ્લાના રાજકારણમાં પણ ગરમાટો આવી જવા પામ્યો છે.
આ પણ વાંચો:
સુરતમાં અનોખો રેકોર્ડ સર્જાયો, એક સાથે 3100 વિદ્યાર્થીઓએ સમૂહમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા
ખેડૂતો સાથે ઠગાઈ થયાનો આક્ષેપ
તાપી જિલ્લામાં આવેલ એક માત્ર વ્યારા સુગર ફેકટરી છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલત હતી. જેને કાર્યરત કરવા માટે ફરી તાપી જિલ્લાના ખેડૂતો અને આગેવાનો દ્વારા વ્યારા સુગરમાં શેરડી આપવામાં આવી હતી લગભગ 31 હજાર ટન જેટલી શેરડી ખેડૂતો દ્વારા વ્યારા સુગરમાં આપવામાં આવી હતી અને આપેલ શેરડીને વ્યારા સુગર ફેકટરીનાં સંચાલકો દ્વારા દક્ષિણ ગુજરાતની અલગ અલગ સુગર ફેકટરીમાં પિપણામાં આપી હતી. પરંતુ સંચાલકો દ્વારા ખેડૂતોને શેરડીના ટન દીઠ 2,000 રૂપિયાના ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ ખેડૂતોને હજું સુધી શેરડીનો 400 રૂપિયાનો માત્ર એક જ હપ્તો ટન પ્રમાણે આપી ખેડૂતો સાથે ઠગાઈ કરવા આવી હોય વ્યારા સુગરમાં શેરડી આપનાર ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો:
શું ગૌમૂત્રથી ઘડિયાળ કે ઈલેક્ટ્રીક ડિવાઈસ ચાલી શકે ખરા? જુઓ કેવો છે પ્રોજેક્ટ
સુગર ફેક્ટરી પર ખેડૂતોએ કર્યા ગંભીર આક્ષેપ
ઉલ્લેખનીય છે કે, શેરડીના બાકીના નાણાં હજુ સુધી ખેડૂતોને ન મળતાં ખેડૂતો દ્વારા સુગરનાં મેનેજિંગ ડિરેક્ટરને મળતાં તેમણે ખેડૂતોને યોગ્ય પ્રતિઉત્તર નહિ આપતા ખેડૂતોને પોતાના દ્વારા આપવામાં આવેલ શેરડીના પૈસામાં સંચાલકો દ્વારા કોભાંડ આચરવા આવ્યુ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો. ખેડૂતો અને આગેવાનો દ્વારા ગત દિવસોમાં પત્રકાર પરિષદ યોજી સંચાલકો વિરૂદ્ધ યોગ્ય તપાસ કરવામાં આવે અને ખેડૂતોને તેમની શેરડીના પૂરેપૂરા નાણાં મળે તે માટેની માંગ કરવામાં આવી હતી ત્યારે બીજી તરફ વારંવાર સુગર ફેક્ટરીને ફરી ધમધમતી કરવા સરકાર દ્વારા આપવામાં આવતી સહાય ફેક્ટરી ચાલુ કરવાને બદલે નાણા અન્ય જગ્યાએ વાપરી સહાયના રૂપિયાનો ગેરવહીવટ કરાઈ રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર