Tourism Cost In India: ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. રજાઓ માણવા પરિવારો ગોવા, શિમલા અને મનાલી સહિતના પ્રવાસીય સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. જેના પગલે પ્રવાસીય સ્થળોમાં વિવિધ ચીજોના ભાવ પણ વધ્યા છે. પરિણામે વિદેશના પ્રવાસ કરતાં શિમલાનો પ્રવાસ મોંઘો બન્યો છે.
યુરોપિયન દેશ જ્યોર્જિયા, દુબઈ, વિયેતનામ જેવા વિદેશી પ્રવાસીય સ્થળો કરતાં સ્થાનિક પ્રવાસ મોંઘો બન્યો હોવાની પોસ્ટ સ્ટાર્ટઅપ વિઝ્ડમ હેચના ફાઉન્ડર અને સીઈઓ અક્ષત શ્રીવાસ્તવે કરી છે. જે ખૂબ વાયરલ થઈ છે. જેમાં ખાણી-પીણી, રહેવાનુ ભાડ઼ું સહિત પરિવહન સેવાઓ પણ મોંઘી થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે.
ગોવામાં ફરવાના સ્થળો અત્યંત ખર્ચાળ
ભારતીયો માટે ફરવાના મનપસંદ સ્થળો પૈકી એક ગોવા હંમેશાથી મોંઘું હોવાની ચર્ચાઓ અને અહેવાલો જોવા મળતા રહ્યા છે. ગોવાની ફ્લાઈટ પણ અત્યંત મોંઘી છે. પરંતુ હવે ગોવાની સાથે અન્ય સ્થળો પર પણ ફરવુ એટલુ જ મોંઘુ બની રહ્યુ હોવાનુ સ્ટાર્ટઅપ વિઝડમ હેચના ફાઉન્ડરે જણાવ્યું છે. ગોવામાં ટેક્સીનો ચાર્જ ફ્લાઈટના ભાડા કરતાં પણ વધુ હોય છે. અમદાવાદથી ગોવા ફ્લાઈટનું ભાડું 3000થી 5000 સુધી હોય છે, જ્યારે એરપોર્ટથી ગોવામાં ફરવાના સ્થળો સુધીનું ભાડું રૂ. 7000થી 10000 છે.
દુબઈ કરતાં મુંબઈ મોંઘુ
મનાલી, શિમલા યુરોપિયન દેશ જ્યોર્જિયા કરતાં મોંઘુ બન્યું છે. જ્યારે મુંબઈ દુબઈ કરતાં પણ મોંઘુ છે. મોંઘવારી પાછળનું કારણ પ્રવાસીઓનો ધસારો છે. રિયલ એસ્ટેટના ભાવો પણ વધતાં ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી સેક્ટર્સ મોંઘા બન્યા છે.
ગેસ્ટ હાઉસથી માંડી હોટલના ભાડા વધ્યા
સ્ટાર્ટઅપ સીઈઓની પોસ્ટ પર યુઝર્સે અનેક પ્રતિક્રિયાઓ આપી છે. જેમાં એક યુઝરે લખ્યું છે કે, એરપોર્ટ પર ચા રૂ. 400, મોલમાં પિઝા રૂ. 1000 અને એરપોર્ટ પર પાર્કિંગ રૂ. 150 પ્રતિ કલાક જ્યારે 3બીએચકે ફ્લેટની કિંમત રૂ. 100 કરોડ સુધી છે. સીઈઓ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, બજેટ ગેસ્ટહાઉસથી માંડી લકઝરી રિસોર્ટ સુધી તમામના ભાડા વધ્યા છે.
પ્રવાસીઓ પાસેથી મબલક કમાણી
મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રવાસીય સ્થળો પર પ્રવાસીઓ અને સ્થાનિકો માટે અલગ-અલગ ભાવ છે. હોટલથી માંડી શોપિંગ સુધી તમામમાં આ તફાવત જોવા મળે છે. પર્યટન સ્થળો પર પ્રવાસીઓ માટે પ્રોપર્ટીની કિંમત રૂ. 21600 પ્રતિ વર્ગફૂટ છે. જ્યારે સ્થાનિકો માટે રૂ. 8500 પ્રતિ વર્ગફૂટ ભાવ ચાલી રહ્યો છે. જે સીધો 150 ટકા તફાવત દર્શાવે છે.